Rajkot; મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વિંછીયા આઈ.ટી.આઈ. ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

તા.૨૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિદ્યાર્થીઓએ બનાવેલ રિવર્સ કાર પાર્કિંગ બઝર, વેબસાઇટ લિંક, ડોર થંબ લોક, ઓટો ડોર સેન્સર, દેશી મોટર, થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર સહિતના ડેમોને મંત્રીશ્રીએ નિહાળ્યા
“જસદણ અને વિંછીયા તાલુકાના યુવાઓ કારકીર્દી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે તે માટે શિક્ષણ સંબંધિત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.” – મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot: જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા આઈ.ટી.આઈ. ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોતાની કારકિર્દીમાં કરેલા સંઘર્ષના ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે, એક સમયે શૈક્ષણિક ક્ષેત્રે પછાત કહેવાતા આ વિસ્તારમાં આજે સૌથી વધુ હાઈસ્કુલ, સીમ શાળાઓ, સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજ, અદ્યતન લાઇબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ, આઈ.ટી.આઈ. સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જસદણ અને વિંછીયાની આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને રોજગાર માટે ઉદ્યોગ મળી રહે તે માટે વિંછીયા ખાતે નાની જી.આઈ.ડી.સી. શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને સમયાંતરે કારકિર્દી ક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવશે તથા રોજગારલક્ષી મેળાઓ યોજવામાં આવશે. જસદણ અને વિંછીયાની આઈ.ટી.આઈ.ના ભૂતપૂર્વ તાલીમાર્થીઓએ પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી પણ મેળવી છે.
આ તકે મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી અને મહિલા તાલીમાર્થીઓએ પ્રાર્થના સ્તુતિ ગાઈને સેમીનારની શરૂઆત કરી હતી. શાબ્દિક સ્વાગત આચાર્યશ્રી રીનાબેન વાસાણીએ કર્યું હતું.
પ્રાસંગિક ઉદબોધન અગ્રણી શ્રી અશ્વિનભાઈ સાંકળીયાએ કર્યું હતું. આઈ.ટી.આઈ.માં કોપા ટ્રેડના ઇન્સ્ટક્ટરશ્રી ડી.પી.મકવાણાએ કારકીર્દીમાં વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી કોર્સ, એપ્રેન્ટીસ એડવાઇઝરશ્રીએ તાલીમાર્થીઓને એપ્રેન્ટીસ સંબધિત માહિતી, પ્રાદેશિક માહિતી કચેરીના માહિતી મદદનીશ શ્રી રિધ્ધિ ત્રિવેદીએ માહિતી ખાતાની વેબસાઇટ, પાક્ષિક, રોજગાર સમાચાર અંક તથા ‘મારી યોજના પોર્ટલ, વિંછીયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજરશ્રીએ તાલીમાર્થીઓને તાલીમ અને વ્યવસાય માટેની લોન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના શ્રી વનરાજભાઈ ચાવડાએ ખેડુતોને મળતી ટ્રેક્ટર પર સબસિડી, રોજગાર કચેરીના ચેતનાબેન મારડિયાએ રોજગાર કચેરીનું અનુબંધન પોર્ટલ તથા આત્મ નિર્ભર બનવા અને બનાવવા સ્કિલ બેઇઝ્ડ યુવાઓની જરૂરિયાત અંગેની વિગતવાર માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ બનાવેલ રિવર્સ કાર પાર્કિંગ બઝર, વેબસાઇટ લિંક, ડોર થંબ લોક, ઓટો ડોર સેન્સર, દેશી મોટર, થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર સહિતના ડેમોને મંત્રીશ્રીએ નિહાળ્યા અને તેઓની સાથે સંવાદ કર્યો હતો. વિંછીયા આઈ.ટી.આઈ. ફોરમેન શ્રી જે.પી.ડાભીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ સેમિનારમાં વિંછીયા સરપંચ શ્રી શત્રુભાઈ રાજપરા, ઉપસરપંચશ્રી ઘનશ્યામભાઈ, સ્થાનિક આગેવાનશ્રીઓ, ઉદ્યોગકારશ્રીઓ, ગોંડલ આઈ.ટી.આઈ.ના આચાર્ય શ્રી યોગેશભાઈ જોશી, આઈ.ટી.આઈ.ના અલગ અલગ ટ્રેડના નિષ્ણાંતો સહિત બહોળી સંખ્યામાં તાલીમાર્થી ઉપસ્થિત રહ્યા હતા.





