Rajkot: “મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન” મેદસ્વિતા સાથે રોગ ઘર કરી જાય તે પહેલા ફિટનેસની પાળ બાંધતા ક્રિષ્નાબેન

તા.૧૧/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકુમાર & રાજ લક્કડ
નિયમિત વર્કઆઉટથી શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે વધુ સારી રીતે ઘર, પરિવારને સંભાળી રહી છું – ક્રિષ્નાબેન અમલસેડા
Rajkotv મારે ૨૭ વર્ષની પરણિત દીકરી છે, પરંતુ મને જોઈ કોઈ કહી શકે નહીં કે હું બે સંતાનની માતા છું. મારા સગા, સંબંધી અને સહેલીઓ પણ મારી તંદુરસ્તી અને નાની ઉંમરના દેખાવની ચર્ચા કરે ત્યારે મને ખૂબ ગમે છે. આ શબ્દો છે ૪૪ વર્ષીય ક્રિષ્નાબેન અમલસેડાના.
તેમની ફિટનેસનો રાઝ નિયમિત જિમ્નેશિયમમાં રોજનું એક કલાકથી વધુનું વર્કઆઉટ છે. તેઓ જણાવે છે કે, રોજ સવારના મારા નિત્યક્રમનો પ્રારંભ થાય મંદિર રૂપી જિમમાં જવા સાથે. એકપણ દિવસના બ્રેક વગર છેલ્લા સાત વર્ષથી જિમમાં કોઈપણ ભોગે જવાનું જ. આ બાબતની પ્રેરણા અંગે તેઓ કહે છે કે, મારા બીજા સંતાનની ડીલેવરી બાદ વજન ખૂબ જ વધી ગયેલું, પગમાં દુ:ખાવાની તકલીફ રહેતી. જેનાથી મને લાગ્યું કે મેદસ્વિતાના કારણે બીજા કોઈ રોગ ઘર કરી જાય તે પહેલા મારે વજન ઉતારવું પડશે. જેથી ફિટ રહેવા માટે જિમ્નેશિયમ શરુ કરવા મેં નિર્ધાર કર્યો.
માત્ર એક વર્ષમાં મેં ૧૭ કિલો વજન ઘટાડ્યું. મેદસ્વિતા ઘટતા મારો ઉત્સાહ બેવડાઈ ગયો. ક્રિષ્નાબેન તેમની સફળતાથી ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, મને આનંદ થવા લાગ્યો જ્યારે બધાને લાગ્યું કે મારામાં ચેન્જ દેખાય છે.
ફિટનેસથી માત્ર શારીરિક નહીં, માનસિક રીતે પણ શાંતિની અનુભૂતિ સાથે ખુશી થતી હોવાનું જણાવી તેઓ કહે છે કે, હવે ઘરકામ સાથે પરિવારને સંભાળવાની જવાબદારી પણ હું સહેલાઈથી નિભાવી શકું છે. હવે મને શ્રમ કરતા થાક નથી લાગતો, કારણકે જિમમાં વર્કઆઉટ કરતા કરતા મારી ક્ષમતા બેવડાઈ છે. મને કસરતની આદત પડી ગઈ છે. બહારગામ જવાનું હોઈ તો તે પહેલા એક્સ્ટ્રા વર્કઆઉટ ખાસ કરી લઉં છું.
ફિટનેસ માટે સતત ડાયટ જાળવવું પડે ? તેનો જવાબ આપતા તેઓ જણાવે છે કે, ડાયટનું પાલન ખૂબ સહેલું છે. મારો મંત્ર છે બહારનું જંકફૂડ, સુગર વધારતા ખોરાક ટાળવા, પ્રોટીનની માત્રા વધુ હોઈ તેવી માત્ર ઘરની બનાવેલી રસોઈ લઉં છે. મારા પરિવારજનો પણ મોટેભાગે હવે આ પ્રકારે સાત્વિક ખોરાક લેતા થઈ ગયા છે. મારો પુત્ર પણ હેલ્થ કોન્સિયસ થઈ ગયો છે તે જાણી મને આનંદ થાય છે.
જિમમાં જોડાવાના નિર્ણય અંગે તેઓ કહે છે કે, યોગ, ઝુમ્બા કે અન્ય કસરતથી પણ સ્વાસ્થ્ય જળવાઈ પરંતુ સ્ત્રીઓમાં હોર્મોન્સ બેલેન્સીંગ, મેટાબોલીઝમ અને મસલ્સ ગેઇન માટે જિમ પણ એક સરસ વિકલ્પ છે. સ્ટેમિના બીલ્ડ કરવા તેઓ સપ્તાહ દરમ્યાન ચેસ્ટ, બેક, સોલ્ડર, બાય સેપ, લેગ, એબ્સ અને કાર્ડિયો સહીતનું સમગ્ર બોડીનું વર્ક આઉટ કરે છે. ફિટનેસ માટે જાગૃત ક્રિષ્નાબેન જીવનભરનો જિમ સાથેનો નાતો જોડવા માંગે છે.
માત્ર ૧૦ ધોરણ ભણેલા ક્રિષ્નાબેન દરેક મહિલાઓને સલાહ આપતા જણાવે છે કે, મહિલાઓને ૪૦ વર્ષ પછી મેદસ્વિતાના કારણે આવતા રોગથી બચવા અને ફિટ રહેવા માટે શરીર પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. જિમ, યોગ, ઝુમ્બા કે કોઈપણ રમત કે જે બોડીને ફિટ રાખે તે માટે રોજની એક કલાક આપવી જોઈએ. ખુશ રહેવા સાથોસાથ ગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ. મને મ્યુઝિકનો શોખ છે જેને પણ રોજબરોજના નિત્યક્રમમાં સામેલ કરી આનંદ અનુભવું છું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શરૂ કરેલા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનને સહર્ષ વધાવી તેઓ જણાવે છે કે, મેદસ્વિતા સ્વાસ્થ્યનો સૌથી મોટો દુશ્મન છે, ત્યારે સૌએ આ અભિયાનમાં જોડાઈ સ્વસ્થ ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવું જોઈએ.



