
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય અને સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે. જેથી ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તા.૧૫ માર્ચ ૨૦૨૫ ના રોજ સૂચના આપવામાં આવી હતી કે ૧૦૦ કલાકની અંદર ગુજરાત રાજયના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવી.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવા દ્વારા પણ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમજ સોમવારે રાત્રે નેત્રંગ ટાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકીંગ સાથે નેત્રંગ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવાએ ગુનાહીત ભૂતકાળ ધરાવતા ઈસમોની તેમની હાલની કામગીરી અંગેની કડક પૂછતાછ કરી તેની માહિતી મેળવી હતી. તેમજ અસામાજિક પ્રવૃતિઓ નહિ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. અને જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા કોઈપણ તત્વો પકડાશે તો કડક કાર્યવાહી કરવા પોલીસ ઇન્સપેક્ટરે સૂચના આપી હતી. જેથી અસામાજિક તત્વોમાં એકા એક ફફડાટ ફેલાઈ જવા પામ્યો
છે.



