Rajkot: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા – રાજકોટ ડિવિઝનની એક્શન મોડમાં કામગીરી

તા.૨૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જેતપુરથી ચોરડી અને ગોંડલથી ભરૂડી સુધીનો રસ્તો પુન: મોટરેબલ કરાયો
Rajkot: ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાના પરિણામે જે રસ્તાઓને નુકસાન થયું છે, તેને પુન: મોટરેબલ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગો એક્શન મોડમાં કામગીરી કરી રહ્યાં છે. રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશની સૂચના મુજબ જિલ્લાભરમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ ઝડપથી પૂર્વવત કરવાના કામો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ડિવિઝન દ્વારા નેશનલ હાઇવે પર યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ડિવિઝન દ્વારા ગત તા. ૨૭ ઓગસ્ટના રોજ જેતપુરથી ચોરડી સુધીના રસ્તા પર ડામર પેચ કરીને ખાડા બુરવામાં આવ્યા છે, તેમજ આ હાઇવે પર હજુ રસ્તા મરામતની કામગીરી શરૂ છે. ઉપરાંત, ગોંડલથી ભરૂડી ટોલનાકા સુધીનો ૨૦૦ મીટર જેટલો રસ્તો સમથળ કરવામાં આવ્યો છે. વધુમાં, ગ્રીનલેન્ડ ચોકડી થી ગોંડલ ચોકડી નજીક પણ ડામર પેચવર્ક કરીને માર્ગ સુગમ બનવવામાં આવી રહ્યો છે. આમ, એન.એચ.એ.આઇ.ના રાજકોટ ડિવિઝન દ્વારા સાત્યત્તા પૂર્ણ હાઈવેના રોડ સમથળ કરવાની કામગીરી શરૂ છે તેમ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે.






