Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭૫મા જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો
તા.૧૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટમાં મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયા, શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો જિલ્લા કક્ષાના કાર્યક્રમનો આરંભ કરાયો
રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ ૧,૨૪૫ સિનિયર સિટીઝન લાભાર્થીઓને સહાયક ઉપકરણોનું વિતરણ શરૂ
મેગા આરોગ્ય તપાસ કેમ્પ તથા રક્તદાન કેમ્પ યોજાયા
Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ૭૫મા જન્મ દિવસે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી આરંભ કરાવ્યો હતો. રાજકોટમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન હેઠળ જિલ્લા કક્ષાના કાર્યક્રમનો આરંભ કરાવવામાં આવ્યો હતો.
આ સાથે “રાષ્ટ્રીય પોષણ માહ” તેમજ “સ્વચ્છતા હી સેવા” અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમો શરૂ કરાવવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના ધાર ખાતે યોજાયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ અનેક લોકોએ નિહાળ્યું હતું.
આ અવસરે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઉપક્રમે મેગા આરોગ્ય તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ વિભાગના નિષ્ણાત ડોક્ટરોની ટીમ ખડે પગે રહીને લાભાર્થીઓના આરોગ્યની તપાસ કરી હતી. ઉપરાંત રેડ ક્રોસ તેમજ વિવિધ સંસ્થાઓના ઉપક્રમે રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં રક્તદાન માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય વયોશ્રી યોજનાના સિનિયર સિટીઝન લાભાર્થીઓને સહાયક ઉપકરણોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કુલ મળીને ૧૨૪૫ સિનિયર સિટીઝનોને સહાયક ઉપકરણો આપવામાં આવશે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અન્વયે જિલ્લા કક્ષાના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે સ્વાગત પ્રવચન સાથે સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં રકતદાન કેમ્પ યોજાયા હતા. જેમાં આશરે ૧૮૦૦ જેટલા યુનિટ રક્ત એકત્ર થયું છે. રાજકોટ જિલ્લામાં સિનિયર સિટિઝનોને સહાયક સાધનો આપવા માટે ૧૭ એસેસમેન્ટ કેમ્પ યોજીને, ૪૪૭૯ લાભાર્થીઓ માટે ૨૬,૭૩૩ સહાયક ઉપકરણો મંજૂર કરવામાં આવ્યા છે. આ એસેસમેન્ટ કેમ્પોમાં ૧૨૨ સિનિયર સિટીઝનોને અન્ય વિભાગની યોજનાઓના પણ લાભ આપવામાં આવ્યા છે.
આ તકે સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યો સર્વે શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ડૉ. દર્શિતાબેન શાહ, ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબહેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ રાડિયા, અગ્રણી શ્રી માધવ દવે, આઈ.સી.ડી.એસ. કમિશનરશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, રાજકોટ મહાનગર પાલિકા કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પી. ડી.યુ. હોસ્પિટલના અધિક્ષક શ્રી ડૉ. મોનાલી માકડિયા, મેડિકલ કોલેજના ડીન શ્રી ડૉ. ભારતી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.