GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬ ફેબ્રુઆરીએ યોજાશે

તા.૩/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકોએ જિલ્લાકક્ષાનાં પ્રશ્નો માટે ઉચ્ચ કક્ષા (ગાંધીનગર) સુધી જવું ન પડે, તે માટે જિલ્લાકક્ષાએ ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી સ્વાગત કાર્યક્રમ તા. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬નાં રોજ યોજાશે. જે અન્વયે જિલ્લાકક્ષાના પ્રશ્નો તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં સંબંધિત ખાતા-વિભાગોની જિલ્લાકક્ષાની કચેરીનાં વડાને પહોંચતા કરવાના રહેશે. અરજીમાં મથાળે ‘જિલ્લા ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ લખવાનું રહેશે.

પડતર પ્રશ્નો મોકલવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

(૧) લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય, તેવા પડતર પ્રશ્નો જ મોકલવાના રહેશે.

(૨) અગાઉ સબંધિત ખાતામાં કરેલી રજૂઆતનો આધાર રજૂ કરવાનો રહેશે, તેમના તરફથી આપવામાં આવેલા જવાબની નકલ અરજી સાથે રાખવાની રહેશે.

(૩) અગાઉ રજૂ કરેલો પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવાનું રહેશે.

(૪) પ્રશ્ન કે અરજીમાં..

૧) પ્રશ્ન કર્તાનું પુરૂં નામ, સરનામું તથા ફોન નંબર લખવાનો રહેશે.

૨)અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે.

૩) અરજી સ્પષ્ટ અને મુદ્દાસર સમજી શકાય, તેવા આધારો સાથે હોવી જરૂરી છે.

(૫) અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે.

(૬) સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં.

(૭) પ્રશ્ન અરજદારનો પોતાનો હોવો જોઇએ, બીજાનો પ્રશ્ન ધ્યાને લેવાશે નહીં.

(૮) કોર્ટ મેટર, ચાલતા દાવાઓ, આક્ષેપો, અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહીં.

(૯) તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સબંધિત તાલુકા મામલતદારને અરજી કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, મહેસુલી તંત્રને લગતાં પ્રશ્નો (રાજકોટ જિલ્લા પૂરતા) જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં રજૂ કરવાનાં રહેશે. ત્યારબાદ આવેલાં પ્રશ્નનો કાર્યક્રમમાં સમાવેશ કરાશે નહીં. તેમજ અસંદિગ્ધ અને અસ્પષ્ટ, નામ-સરનામા વગર, વ્યક્તિગત આક્ષેપો, અરજદારનું હિત સંકળાયેલું ન હોય તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી, પ્રથમ વખતની અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં.

વધુમાં, મહેસુલી તંત્ર, જિલ્લા પંચાયત, પોલીસ વિભાગ, પી.જી.વી.સી.એલ., જી.એસ.આર.ટી.સી અને પાણી પુરવઠા બોર્ડના પ્રશ્નો તા. ૨૬ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે ત્રીજા માળે સભાખંડમાં સબંધિત ખાતાના અધિકારી અને કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશ સાંભળશે. અન્ય ખાતાનાં પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે તે ખાતાને જ મુદ્દત હરોળ રજૂ કરવાના રહેશે, તેમ જિલ્લા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!