Rajkot: રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિકની સરળતા માટે ભારે વાહનો પર દિવસે પ્રતિબંધ

તા.૧૭/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ટ્રાફિકજામની ફરિયાદ માટે ૨૪ કલાક ઈમરજન્સી કંટ્રોલરૂમ કાર્યરતઃ અત્યાર સુધીમાં ૭૦થી વધુ ફરિયાદોનો તત્કાલ નિકાલ
૩૦થી વધુ ટ્રાફિક માર્શલ્સ દ્વારા સુગમ વાહન-વ્યવહાર માટે ખડેપગે કામગીરી
ટ્રાફિક ડાયવર્ઝન રિ-ડિઝાઈન કરાયા, ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરાઈ
આલેખનઃ સંદીપ કાનાણી
Rajkot: રાજકોટ જિલ્લામાંથી પસાર થતાં રાજકોટ-ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે નંબર-૨૭ પર વાહન-વ્યવહાર સરળ રહે અને ટ્રાફિકજામ નિવારી શકાય તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. ઓથોરિટી દ્વારા ટ્રાફિકજામ થવાનાં કારણો શોધી કાઢીને, આ સમસ્યાના નિવારણ માટે આયોજનબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે.
ઓથોરિટીના અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ હાઈવે પર ટ્રાફિકજામની ફરિયાદો મળતાં સર્વે કરીને, ટ્રાફિક જામના વિવિધ કારણો શોધી કાઢવામાં આવ્યા છે. જે મુજબ;
(૧) રોંગ સાઈડ ડ્રાઈવિંગઃ સ્થાનિક લોકો રસ્તો જલ્દી ઓળંગવા કે દૂર ફરવા ના જવું પડે તે માટે સર્વિસ રોડ તથા ડાઈવર્ઝન પર રોંગસાઈડ ડ્રાઈવિંગ કરતા હોવાથી ટ્રાફિક જામ થાય છે. (૨) પીપળીયા પાસે જમીન ઉપલબ્ધ ના હોવાના લીધે સર્વિસ રોડ માત્ર ૫.૫૦ મીટર પહોળો છે. પીક અવર્સમાં આ રસ્તો હેવી ટ્રાફિકના સંચાલન માટે ટૂંકો પડતો હોવાથી ટ્રાફિકજામ થાય છે. પીપળીયા ક્રોસ રોડ પર છેલ્લા ત્રણ ચાર માસથી ટ્રાફિક વધ્યો છે. હાઈવેને ક્રોસ કરતા આ રોડ પર વાહનો વધ્યાં હોવાથી જામ સર્જાય છે.
(૩) આ હાઈવે પર ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે ઓવર સાઈઝ તથા હેવી વ્હીકલ્સ પસાર થતા હોવાથી સર્વિસ રોડ બ્લોક થઈ જાય છે. પરિણામે જામ સર્જાય છે.
આ સમસ્યાના ઉકેલ માટે નીચે મુજબનાં પગલાં લેવામાં આવ્યા છેઃ
(૧) ઓવર સાઈઝ અને હેવી વ્હીકલ્સને આ માર્ગો પરથી દિવસ દરમિયાન પસાર થવા દેવા પર મનાઈ ફરમાવાઈ છે.
(૨) ટ્રાફિકજામની ફરિયાદ થઈ શકે તે માટે પ્રોજેક્ટ અમલીકરણ યુનિટ દ્વારા ૨૪ કલાક ઈમરજન્સી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે અને તેના નંબર હાઈવે પર વિવિધ સ્થળે દેખાય તે રીતે દર્શાવવામાં આવ્યા છે. ઈમરજન્સી કંટ્રોલરૂમના નંબરઃ (૧) ૮૪૨૭૬ ૭૭૧૭૮ (૨) ૯૮૨૫૮ ૪૬૭૨૯ (૩) ૮૧૩૦૦ ૦૬૧૨૫. આ નંબર પર અત્યાર સુધીમાં ટ્રાફિકજામને લગતી ૭૦થી વધુ ફરિયાદો આવી હતી, જેનું તત્કાલ નિવારણ કરી દેવાયું હતું.
(૩) ટ્રાફિકના સંચાલન તેમજ રોંગ સાઈડથી આવતા વાહનો રોકવા માટે ૧૬ સ્થળો પર ૩૦ જેટલા ટ્રાફિક માર્શલ્સ મુકવામાં આવ્યા છે. જેઓ શિફ્ટ મુજબ ૨૪ કલાક ફરજ બજાવે છે. તેઓ આવતા-જતા ટ્રાફિકનું સંચાલન કરે છે. જરૂર પડ્યે ટ્રાફિક જામવાળા સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લીયર કરાવે છે.
(૪) હેવી ટ્રાફિકવાળા ૧૨ જેટલા પોઈન્ટ પર બ્રેકડાઉન વાહનોને જલ્દી ખસેડવા માટે હેવી ક્રેન પણ મુકવામાં આવી છે. જેથી કોઈ વાહન બ્રેકડાઉન થાય તો તેને તુરંત ખસેડીને ટ્રાફિકજામ નિવારી શકાય.
(૫) વિવિધ ડિવાઈડર પણ રિ-ડિઝાઈન કરવામાં આવ્યા છે.
(૬) ટ્રાફિકજામના સંભવિત સ્થળોની ટ્રાફિક પોલીસની ટીમ સાથે મુલાકાત લેવામાં આવી હતી તથા આવા સ્થળોએ ટ્રાફિકના સંચાલન માટે ટ્રાફિક પોલીસની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીએ નાગરિકોને અપીલ પણ કરી હતી કે, તેઓ રોંગસાઈડ ડ્રાઈવિંગ ના કરે અને સરળ ટ્રાફિક સંચાલન માટે સ્થળ પર હાજર સ્ટાફને સહયોગ કરે.




