GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ-કોટડાસાંગાણીના સાંઢવાયાની ગૌશાળાની ઘટના અંગે રાજ્ય સરકારની કાર્યવાહી

તા.૧૪/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે જવા રવાના

હાલમાં ગૌશાળાની બાકીની ગાયોને ૧૬ નિષ્ણાત પશુ ચિકિત્સક ટીમો આપી રહી છે રાઉન્ડ ધ ક્લોક સારવાર

ગાયોને અપાયેલા ઘાસચારા, ખોળ, પાણી અને અન્ય ખોરાકના સેમ્પલ FSLને મોકલાયા

ગાયોને અપાયેલા મગફળીના ખોળથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન

Rajkot: રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી શ્રી રામગર બાપુ ગૌશાળામાં ગાયોના મૃત્યુની બનેલી દુઃખદ ઘટનાને ધ્યાને લઈને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. મંત્રીશ્રીએ તાત્કાલિક અસરથી પરિસ્થિતિની દેખરેખ રાખવા અને ત્વરિત પગલાં લેવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓને આદેશો આપ્યા છે.

પશુપાલન મંત્રીશ્રીના આદેશથી ગાંધીનગર ખાતેથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે, જે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલ તા.૧૨ ડિસેમ્બરના રોજ સાંઢવાયા ગામની એક ગૌશાળામાં એક સાથે કેટલીક ગાયોના અગમ્ય કારણોસર મૃત્યુ થયા હતા. આ બાબતની જાણ થતા કોટડાસાંગાણી પશુચિકિત્સા અધિકારી અને પશુધન નિરિક્ષકની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ગૌશાળાની મુલાકાત લેવામાં આવી હતી.

 

ઘટનાની ગંભીરતા સમજીને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ત્વરિત પગલાં લેવા પશુપાલન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. મંત્રીશ્રીના આદેશ બાદ રાજકોટ જિલ્લાના ૫ પશુચિકિત્સા અધિકારીઓ, ૭ પશુધન નિરિક્ષકો, પશુરોગ અન્વેષણ અધિકારી, નાયબ પશુપાલન નિયામકોને મળીને કુલ ૧૬ નિષ્ણાતોની ટીમ દ્વારા સારવારની કામગીરી રાઉન્ડ ધ કલોક શરૂ કરવામાં આવી હતી.

આટલું જ નહીં, પશુ મૃત્યુના સાચા કારણની પુષ્ટિ કરવા માટે કુલ પાંચ પશુઓનું પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન કરીને સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મૃત પશુઓને આપવામાં આવેલા ઘાસચારા, ખોળ, પાણી અને અન્ય ખોરાકના સેમ્પલ પણ FSL કચેરીએ મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટીએ પશુમરણનું કારણ ફૂડ પોઈઝનિંગ હોવાનું અનુમાન છે.

મંત્રીશ્રીની સૂચના અનુસાર હાલમાં ગૌશાળાની બાકીની ગાયોને સુરક્ષિત રાખવા નિવારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે અને અસરગ્રસ્ત ગાયોની સઘન સારવાર કરવામાં આવી રહી છે. સારવારમાં મદદ તથા વિશેષ ટિપ્પણી માટે જૂનાગઢ વેટરનરી કોલેજના પાંચ વિષય તજજ્ઞ તથા તેમની ટીમ પણ હાલ ગૌશાળા ખાતે કાર્યરત છે.

વધુમાં, મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના આદેશ અનુસાર પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!