KUTCHMUNDRA

કચ્છને મળ્યા 58 નવા MBBS ડૉક્ટરો: આરોગ્ય સેવાઓમાં સુધારો થશે?

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

 

કચ્છને મળ્યા 58 નવા MBBS ડૉક્ટરો: આરોગ્ય સેવાઓમાં સુધારો થશે?

 

મુંદરા,તા.7 : ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં 616 MBBS ડૉક્ટરોની ભરતી કરવામાં આવી છે, જેમાંથી 58 ડૉક્ટરોની નિમણૂક કચ્છ જિલ્લામાં કરવામાં આવી છે. આ નિમણૂકથી જિલ્લાની આરોગ્ય સેવાઓમાં સુધારો થવાની આશા જાગી છે. આ અગાઉ પણ ડૉક્ટરોની નિમણૂક થઈ હતી, પરંતુ એક પણ ડૉક્ટર હાજર થયા ન હતા. હવે જોવાનું એ છે કે આ 58 ડૉક્ટરોમાંથી કેટલા ડૉક્ટરો ખરેખર ફરજ પર હાજર થાય છે. આ ડૉક્ટરોને 11 સપ્ટેમ્બર સુધીમાં હાજર થવાની સૂચના આપવામાં આવી છે, જેથી આગામી ચાર દિવસમાં જ સ્પષ્ટ થઈ જશે કે કચ્છની જનતાને યોગ્ય તબીબી સેવાઓ મળશે કે પછી ફરી એકવાર “ઉંટવૈદો” પર આધાર રાખવો પડશે.

 

તાલુકાવાર જોવામાં આવે તો રાપરમાં 13, ગાંધીધામમાં 11, નખત્રાણામાં 8, ભુજમાં 7, ભચાઉમાં 5, મુન્દ્રામાં 5, લખપતમાં 3, અંજારમાં 3, માંડવીમાં 2 અને અબડાસામાં 1 ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે.

 

કચ્છ જિલ્લામાં આવેલી 17 સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં પણ નવા ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. તેમાં ગાંધીધામ (રામબાગ)માં 9, આદિપુરની ડિસ્પેન્સરીમાં 1, નખત્રાણામાં 3, રાપરમાં 3, અને ભુજ (મેન્ટલ હોસ્પિટલ)માં 1 ડોક્ટરનો સમાવેશ થાય છે.

 

તે સિવાય 7 સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ભુજપુરમાં 2, પલાસવામાં 2, લાકડીયામાં 1, જનાણમાં 1 અને મંગવાણામાં 1 એમ કુલ 7 ડોક્ટરોની નિમણૂક કરાઈ છે. સાથે જ 4 શહેરી આરોગ્ય કેન્દ્રોમાં પણ ભુજ (2 નંબર), મુન્દ્રા, માંડવી અને ભચાઉ ખાતે એક-એક ડોક્ટર નિમાયા છે.

 

ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કુલ 30 ડોક્ટરોની નિમણૂક થઈ છે. તેમાં રાપરના ગાગોદર, ભીમાસર, આડેસર, કીડીયાનગર, રવ મોટી, સુવઈ, અમરાપર, લોદરાણી, ભુજના કુકમા, કોડકી, સુમરાસર (શેખ), ગોરેવલી, ભીરંડિયારા, નખત્રાણાના મંગવાણા, વિરાણી, મંજલ, સાંયરા, અંજારના ભીમાસર, ખેડોઈ, દુધઈ, લખપતના માતાનામઢ, નારાયણ સરોવર, ઘડુલી, મુન્દ્રાના ભદ્રેશ્વર, રતાડીયા, ભચાઉના મનફરા, ધોળાવીરા, માંડવીના ગુંદિયારી, ગાંધીધામના મીઠીરોહર અને અબડાસાના ડુમરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. આ નિમણૂકથી ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)

Back to top button
error: Content is protected !!