GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “પુસ્તકોથી પરે જીવંત વિજ્ઞાનનો વાસ્તવિક અનુભવ કરાવતું રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર”

તા.૨૭/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – હેમાલી ભટ્ટ, રાજ લક્કડ, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ

“વેસ્ટમાંથી બેસ્ટથી લઈને ક્વોન્ટમ મોડેલ સુધી અને રિસર્ચથી રોબોટિક્સ સુધી યુવાઓમાં નવીનતા જગાવતું વિજ્ઞાનનું આસ્થા કેન્દ્ર”

“૩.૪૬ લાખથી વધુ મુલાકાતીઓનું આકર્ષણ: રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર બન્યું નવી પેઢીનું પ્રેરણાધામ”

Rajkot: વિજ્ઞાન ત્યારે જ જીવંત બને છે જ્યારે તે માત્ર પુસ્તકોમાં નહીં, પરંતુ અનુભવ, પ્રયોગ અને જિજ્ઞાસા સાથે જોડાઇને જ્ઞાનમાં વધારો કરે છે. રિજનલ સાયન્સ સેન્ટર- રાજકોટ એ જ વિચારને સાકાર કરતું એક પ્રેરણાધામ છે, જે વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો માટે વિજ્ઞાનને સરળ, રસપ્રદ અને વ્યવહારુ સ્વરૂપે રજૂ કરે છે.

જુઓ – અનુભવો – શીખો’નો અભિગમ

રિજનલ સાયન્સ સેન્ટરમાં જટિલ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ઇન્ટરએક્ટિવ પ્રદર્શનો, કાર્યરત મોડેલ્સ અને લાઇવ ડેમો દ્વારા સમજાવવામાં આવે છે. અહીં “જુઓ, અનુભવો અને શીખો”ના અભિગમથી મુલાકાતીઓને વિજ્ઞાન સાથે સીધો સંપર્ક કરાવવામાં આવે છે. બાળકો રમતાં-રમતાં વિજ્ઞાન શીખે છે, જ્યારે યુવાનોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને નવીનતાનો વિકાસ થાય છે. જે દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.

વિજ્ઞાનનો સર્વાંગી પરિચય આપતી થીમબેઝ્ડ ગેલેરીની ખાસિયત

પિરામિડ આકારની છ જેટલી થીમ ગેલેરી સેન્ટરની વિશેષ ઓળખ છે. “ગ્લાસ એન્ડ સિરામિક્સ ગેલેરી” કાચ અને સિરામિક ઉદ્યોગની વૈજ્ઞાનિક પ્રક્રિયાઓને ઉજાગર કરે છે. “હાઉ સ્ટફ વર્ક્સ ગેલેરી” રોજિંદા જીવનની વસ્તુઓ પાછળનું વિજ્ઞાન સરળ ભાષામાં સમજાવે છે. જીવવિજ્ઞાન ગેલેરી માનવ શરીર અને પ્રકૃતિના રહસ્યોનો પરિચય કરાવે છે. “મશીન એન્જિનિયરિંગ ગેલેરી” યાંત્રિક શક્તિ અને ટેક્નોલોજીના મૂળભૂત સિદ્ધાંતોને જીવંત બનાવે છે. “નોબેલ પ્રાઈઝ ગેલેરી” વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ રજૂ કરી પ્રેરણા આપે છે, જ્યારે “રોબોટિક્સ ગેલેરી” ભવિષ્યની ટેક્નોલોજી અને માનવ-મશીન સંકલનની ઝલક દર્શાવે છે.

આધુનિક સુવિધાઓ અને ઇન્ફોટેનમેન્ટ ઝોન

રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. સુમિત વ્યાસે જણાવ્યું હતું કે, આ સેન્ટર ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના માર્ગદર્શન હેઠળ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ સેન્ટર રાજકોટના માધાપર ગામે ઈશ્વરિયા પાર્કની બાજુમાં આશરે ૧૦ એકર વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે.

અહીં ઓગમેન્ટેડ રિયાલિટી (AR), વર્ચ્યુઅલ રિયાલિટી (VR), 3D/4D શો અને હોલોગ્રામ જેવા ઇન્ફોટેનમેન્ટ ઝોન દ્વારા ટેક્નોલોજીનો અનુભવ કરાવવામાં આવે છે. STEM લર્નિંગ, રોબોટિક્સ અને સિરામિક માટે સમર્પિત વર્કશોપ્સ કાર્યરત છે. સમગ્ર વર્ષ દરમિયાન વૈજ્ઞાનિક દિવસોની ઉજવણી, સમર વર્કશોપ્સ અને સ્કિલ આધારિત પ્રવૃત્તિઓ સહિત અંદાજે ૪૦૦ જેટલી વિવિધ પ્રવૃત્તિઓ નિઃશુલ્ક યોજાય છે. દર રવિવારે “સુપર સન્ડે” અંતર્ગત વૈજ્ઞાનિક ડોક્યુમેન્ટરી, ઓરિગામી, ફન લર્નિંગ, ફૂડ ટેસ્ટિંગ અને ઇન્સેક્ટ આઇડેન્ટિફિકેશન જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન થાય છે.

સંશોધન અને નવી પહેલ

સાયન્સ સેન્ટરની ટીમ દ્વારા ૧૨૦ કલાકની તાલીમ અંતર્ગત વિવિધ રિસર્ચ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. જેમાં સાયન્સ સેન્ટર ખાતે ફરજ બજાવતા અને પક્ષીઓ પર સંશોધન કરતાં શ્રી વિજય વરણના માર્ગદર્શન હેઠળ “RSC નો કલરવ” પ્રોજેક્ટ હેઠળ સેન્ટર આસપાસના પક્ષીઓનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં દુર્લભ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા જેમાં ભાગ્યે જોવા મળતા લિલિયો- લીલા કલરના કબૂતર, પેલિકન, ફાલકન, વિદેશી બતકો રડી શેલ્ડક એટલે બ્રાહ્મણ બતક, ડબ્લિંગ બતક જેવા પક્ષીઓ જોવા મળ્યા છે. રેર સ્પીસિસ પક્ષીઓ કેવા પ્રકારના વૃક્ષો પર માળા બાંધે છે તેવા વૃક્ષો સેન્ટરના પરિસરમાં ઊગાડવામાં આવશે. રેર કહી શકાય એવા “ડસ્કી ક્રેગ માર્ટિન-અબાબીલ” પક્ષીનો માળો પણ અહીં જોવા મળે છે. દુર્લભ પક્ષીઓ માટે યોગ્ય વૃક્ષારોપણ કરવાની યોજના પણ અમલમાં છે. સ્પાઈડર પ્રોજેક્ટ અંતર્ગત પાણીમાં શિકાર કરતી દુર્લભ કરોળિયાની પ્રજાતિનો અભ્યાસ થયો છે.

અહીં ફરજ બજાવતા કર્મયોગી શ્રી ધવલ કટારાના માર્ગદર્શનમાં હાઇડ્રોપોનિક્સ, માઇક્રોસ્કોપિક આલ્ગી, બટરફ્લાય ગાર્ડન અને સ્થાનિક વનસ્પતિ વૈવિધ્ય પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. હરબેરિયમ અને સીડ ડોક્યુમેન્ટેશન દ્વારા છોડની રેર પ્રજાતિઓનું સંવર્ધન કરવામાં આવે છે.વનસ્પતિની રેર સ્પીસિસ કહી શકાય તેવી બ્લીડિંગ હાર્ટ અને પર્પલ હાર્ટ વેલ આહિયા જોવા મળે છે. આ સાથે જ સીવેજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જોવા મળતી ‘માઇક્રોસ્કોપીક આલગી’ વિશે અભ્યાસ કરવામાં આવ્યો છે.

જીવ-જંતુઓ પર સંશોધન કરતાં શ્રી સેજલ કણજારીયાના માર્ગદર્શન હેઠળ ઇન્સેક્ટ કલેક્શન પ્રોજેક્ટ સક્રિય રીતે આગળ વધી રહ્યો છે, જેમાં વિવિધ પ્રજાતિના કિટકોનું વૈજ્ઞાનિક સંકલન અને દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે. તે જ રીતે, રાજ નલિયાપરાના માર્ગદર્શન હેઠળ એસ્ટ્રોનોમી પ્રદર્શન દ્વારા મુલાકાતીઓને ગ્રહ-નક્ષત્રોની ઓળખ સાથે ભારતીય પંચાંગનું આકાશી દર્શન કરાવવામાં આવે છે. કાર્યક્રમમાં ક્વોન્ટમ સાયન્સના વર્કિંગ મોડેલ્સ રજૂ કરી, ક્વોન્ટમ કમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે, તે અંગે સરળ અને પ્રાયોગિક સમજ આપવામાં આવે છે.

પર્યાવરણ સંવર્ધન અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’

રિજનલ સાયન્સ સેન્ટરમાં ડે અને નાઇટ એસ્ટ્રોનોમી કાર્યક્રમો, ભારતીય પંચાંગની સમજ, પર્યાવરણ સંવર્ધન અને સંરક્ષણ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. “વેસ્ટમાંથી બેસ્ટ” અભિયાન હેઠળ ઓર્ગેનિક કચરામાંથી ખાતર બનાવવું અને પ્લાસ્ટિકમાંથી સજાવટની વસ્તુઓ તૈયાર કરવાની પહેલ અમલમાં મૂકવામાં આવી છે. તહેવારો દરમિયાન સેન્ટરનું ડેકોરેશન પણ વેસ્ટ મટીરિયલમાંથી બેસ્ટ રીતે કરવામાં આવે છે.

નોંધપાત્ર મુલાકાતીઓની સંખ્યા

૧૯ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ લોકાર્પણ પછી અત્યાર સુધી ૩.૪૬ લાખથી વધુ મુલાકાતીઓ અને ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓએ સેન્ટરની મુલાકાત લીધી છે. આસપાસના જિલ્લાઓ સહિત ૨૦૫૧ જેટલી સ્કૂલના વિદ્યાર્થીઓ અહીં મુલાકાત લઇ ચૂક્યા છે. સાથોસાથ જાપાન, સાઉથ કોરિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા, યુરોપ, અને જર્મની જેવા અલગ અલગ દેશોના મુલાકાતીઓ પણ અહીં આવી ચૂક્યાં છે. તો જમ્મુ કાશ્મીર, પંજાબ, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, દિલ્હી, પશ્ચિમ બંગાળ વગેરે જેવા રાજ્યોમાંથી પણ મુલાકાતીઓ અહીં મુલાકાતે આવ્યા છે. સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિ, જૈવ વૈવિધ્ય અને વનસ્પતિ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

“વિજ્ઞાનને નજીકથી ઓળખવાનું સ્થળ”

રિજનલ સાયન્સ સેન્ટર, રાજકોટની મુલાકાતે અન્ય જિલ્લાઓમાંથી પણ શાળા- કોલેજના વિદ્યાર્થીઓ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે. અહીં જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગરથી આવેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આ સેન્ટરની મુલાકાત અમારા માટે યાદગાર રહી. અમે શાળામાં પાઠ્યપુસ્તકમાં જે વિજ્ઞાનના નિયમો વાંચીએ છીએ, તે અહીં પ્રયોગો અને મોડલ્સ દ્વારા સમજ્યા. વિજ્ઞાન વિષય અમને અગાઉ મુશ્કેલ લાગતો હતો, પરંતુ અહીં આવ્યા બાદ તે સરળ અને રસપ્રદ બની ગયો. દરેક મોડલ પાછળનો વિચાર સમજાવતા માર્ગદર્શકો અને ઇન્ટરએક્ટિવ સાધનોને કારણે અમને શીખવાની નવી દિશા મળી છે.

રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટ નવી પેઢીના સપનાઓને વિજ્ઞાન સાથે જોડતું પ્રેરણાકેન્દ્ર બન્યું છે. અહીં પ્રયોગ, સંશોધન, નવીનતા અને પર્યાવરણ જાગૃતિનો અનોખો સમન્વય સર્જાયો છે, જે યુવાઓમાં સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવે છે.

((બોક્સ))

રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટની વિશેષતાઓ

રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર આજે વિજ્ઞાન આધારિત સ્માર્ટ પ્રવાસનનું આદર્શ મોડલ બની ઊભર્યું છે. અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીન અભિગમ સાથે વિકસિત આ કેન્દ્ર વિજ્ઞાનને અનુભૂતિ સાથે જોડે છે.

પિરામિડ આકારની ૬ આધુનિક થીમ આધારિત ગેલેરીઓ, જ્યાં વિવિધ વૈજ્ઞાનિક વિષયોનું સજીવ પ્રદર્શન થાય છે.

રમતાં-રમતાં શીખવાની ઇન્ટરએક્ટિવ પ્રદર્શનો અને લાઇવ ડેમો દ્વારા સરળ અને અસરકારક સમજ.

ઓગમેન્ટેડ રિયાલિટી (AR), વર્ચુઅલ રિયાલિટી (VR) અને હોલોગ્રામ ઝોન જેવી અદ્યતન ટેક્નોલોજી સુવિધાઓ.

3D થિયેટર અને ફ્લાઇટ સિમ્યુલેટર જેવી હાઇ-ટેક સુવિધાઓથી રોમાંચક વૈજ્ઞાનિક અનુભવ.

STEM લર્નિંગ, રોબોટિક્સ અને સિરામિક વર્કશોપ્સ દ્વારા પ્રયોગાત્મક શિક્ષણ.

નોબેલ પ્રાઈઝ વિજેતાઓને સમર્પિત પ્રેરણાદાયક વિશેષ ગેલેરી.

બાળકો, યુવાનો અને પરિવાર માટે શિક્ષણ અને મનોરંજનનો સંકલિત અનુભવ.

સૌરાષ્ટ્રની સ્થાનિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા પ્રદર્શનો.

દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર.

આશરે ૧૦ એકર વિસ્તારમાં વિકસિત આધુનિક અને સુવ્યવસ્થિત કેમ્પસ.

વિદ્યાર્થીઓ માટે પ્રયોગાત્મક અને અનુભવ આધારિત શિક્ષણનું ઉત્તમ માધ્યમ.

વિજ્ઞાનને લોકપ્રિય અને જીવંત બનાવતા આ કેન્દ્રે રાજકોટને રાજ્યના મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અને શૈક્ષણિક નકશા પર વિશેષ સ્થાન અપાવ્યું છે.

Back to top button
error: Content is protected !!