AHAVADANGGUJARAT

Dang: બોરખલ ગામે નવનિર્મિત શાળાની દીવાલમાં તડ પડવાની સાથે છતમાંથી પાણી ટપકતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ

ડાંગ જિલ્લાનાં બોરખલ ગામની પ્રાથમિક શાળાનું એકાદ માસ પહેલા રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન ઇલોકાપર્ણ કરાયેલ ઓરડાઓની  સામાન્ય વરસાદમાં જ દીવાલમાં તિરાડ પડવા સાથે છતમાંથી પાણી ટપકતા ઇજારદારે બાંધકામમાં ઉતારેલી ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી જવા પામી છે.

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આહવા તાલુકાના બોરખલ ગામની 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળામાં આઠ જેટલા શિક્ષકોનું મહેકમ સાથે  120 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.આ શાળામાં જર્જરિત ઓરડાઓ થતા રાજ્ય સરકારે સર્વ શિક્ષા અભિયાનનાં નિગરાની હેઠળ G પ્લસ 1  ટાઈપમાં સેનેટરી યુનિટ સાથે અંદાજીત એકાદ કરોડ રૂપિયાના માતબર ખર્ચે 6 જેટલા ઓરડાઓનું ઈજારદારે બાંધકામ કરવામાં આવ્યું હતુ.અને આ બિલ્ડીંગનું ગત જૂન મહિનામાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે બીલીઆંબા ગામેથી શાળા પ્રવેશોત્સવમાં પધારી ઇલોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.આહવા તાલુકાની બોરખલ પ્રા શાળાના ઓરડાનાં બાંધકામ બાબતે જેતે વખતે ભાજપના આગેવાન રમેશભાઈ ચૌધરી દ્વારા ઈજારદારે નકરી વેઠ ઉતારવા સાથે બાંધકામમાં પાણીનો છટકાવ પણ ન કરાતો હોવાની રજુઆત શિક્ષણાધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ કરી હતી.તેમ છતાં ભ્રષ્ટાચારમાં અલિપ્ત અધિકારીઓ અને ઇજારદારની મિલભગતમાં બિલ્ડીંગનું બાંધકામ નબળું રહેતા આદિવાસી બાળકોનું ભવિષ્ય સાથે ચેડાં થવા સહિત જીવ જોખમમાં આવી જવા પામ્યો છે.ઈજારદારે બોરખલ પ્રા શાળાના ઓરડાઓનાં બાંધકામમાં હલકી ગુણવત્તા વાળો માલસામાન વાપરી નિયત ડિઝાઇન મુજબ કામ ન કરી વેઠ ઉતારતા લોકાર્પણ બાદ સમાન્ય વરસાદમાં દીવાલના પ્લાસ્ટરમાં તિરાડો જોવા  મળી છે ઉપરાંત ધોરણ -3ના ઓરડામાં પંખા પાસે પાણી ટપકી રહ્યું છે.અને નવાઈની વાત એ છે કે જે ઓરડામાં પાણી ટપકે છે તે ભોંય તળિયાનો ઓરડો છે નહીં કે ઉપલા માળનો ,જેના પરથી પણ સમજી શકાય કે બાંધકામમાં કેટલી લાલીયાવાડી ચલાવવામાં આવી છે. તે સમજી શકાય તેમ છે.વધુમાં મુખ્ય એજન્સી દ્વારા બોરખલ શાળાના ઓરડાનું બાંધકામનો પેટા કોન્ટ્રાકટ  અપાતા તેમાં આ મોકાણ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.જોકે તકલાદી બાંધકામ ને પગલે રંગરોગાન સાથે બહાર થી આકર્ષક દેખાતી મકાન અંદરથી તદ્દન ખોખલું પુરવાર થઇ રહ્યું છે.હાલે નવનિર્માણ મકાનમાં જ પાણી ટપકતું હોય તેવા વાતાવરણમાં બેસી આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા લાચાર બન્યા છે ,અને વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ જોખમ ઉભું થવા પામ્યું છે.બીજી તરફ છત માંથી ટપકતું પાણી અને દીવાલમાં પડેલ તિરાડના પ્લાસ્ટરનો પોપડા ખરી પડવા સાથે કોન્ક્રીટ માં રહેલ સળીયા નબળા પડી જઈ સ્લેબ તૂટી જાનહાની પણ થઈ શકે તેવા સંજોગો ઉભા થયા છે.તેવામાં મુખ્યમંત્રી ફરીવાર ડાંગ જિલ્લામાં પધારવાનાં હોય જેથી બોરખલ ગામની લાખ્ખો રૂપિયા ના ખર્ચે બનેલ પ્રાથમિક શાળાના તકલાદી ઓરડાઓની ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરી કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.આ સંદર્ભે સર્વ શિક્ષા અભિયાનનાં ડી.પી.ઇ સી.સી.પટેલ ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે બોરખલ પ્રાથમિક શાળામાં ઓરડાઓનું બાંધકામનું સુપરવિઝન મારા અગાઉના ઈજનેર દ્વારા કરવામાં આવ્યું છે,શાળાના ઓરડાઓમાં પાણી ટપકતું હોય કે દીવાલ ક્ષતિ ગ્રસ્ત થઈ છે તેની મને ખબર નથી.

Back to top button
error: Content is protected !!