Rajkot: શાળા પ્રવેશોત્સવ : શ્રેણી – ૦૧ દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવતી ‘નમો લક્ષ્મી યોજના’
તા.૧૨/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લામાં ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ લઈ રહેલી ૫૫ હજારથી વધુ વિદ્યાર્થીનીઓ
ધો. ૦૯થી ધો. ૧૨ની વિદ્યાર્થીનીઓને અપાતી કુલ રૂ. ૫૦ હજારની સહાય
આલેખન : માર્ગી મહેતા
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે. તેમના આ સંકલ્પને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર અનેક વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે, તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪માં ‘નમો લક્ષ્મી યોજના’નો આરંભ કરાયો છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દીક્ષિતભાઈ પટેલના માર્ગદશન હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂણે-ખૂણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવામાં આવી રહ્યું છે. શાળા સલાહકારશ્રી ભાવનાબેન ભોજાણીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં હાલમાં ૫૫,૩૦૦થી વધુ વિદ્યાર્થીનીઓ ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ લઈ રહી છે.
નમો લક્ષ્મી યોજના ગુજરાતમાં આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગની દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ‘નમો લક્ષ્મી યોજના’ અમલી છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ ૦૯થી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ રૂ. ૫૦ હજારની સહાય અપાય છે. જેમાં ધોરણ ૦૯ અને ધોરણ ૧૦માં અભ્યાસ દરમિયાન ૧૦ માસ માટે રૂ. ૫૦૦ મુજબ વાર્ષિક રૂ. ૫૦૦૦ પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૦ હજાર તથા ધોરણ ૧૦માં ઉત્તીર્ણ થયા બાદ રૂ. ૧૦ હજાર અપાય છે. તેમજ ધોરણ ૧૧ અને ધોરણ ૧૨માં વિદ્યાર્થીનીઓને ૧૦ મહિના માટે માસિક રૂ. ૭૫૦ લેખે વાર્ષિક રૂ. ૭૫૦૦ પ્રમાણે બંને વર્ષના મળી રૂ. ૧૫ હજારની સહાય તથા ધોરણ ૧૨માં ઉત્તીર્ણ થયા બાદ રૂ. ૧૫ હજારની સહાય અપાય છે.
ઉલ્લેખનીય છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે શાળામાં વિદ્યાર્થીઓની માસિક હાજરી ૮૦% હોવી જરૂરી છે. વિદ્યાર્થીની શાળા દ્વારા જ ઓનલાઈન અરજી કરાય છે. લાભાર્થીને સહાયની ચૂકવણી સીધી જ લાભાર્થીના માતાના બેન્ક ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરના માધ્યમથી જમા કરાય છે. ‘નમો લક્ષ્મી યોજના’થી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળતાં દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે.