Rajkot: શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ‘નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને મંત્રીશ્રીઓના સન્માન સમારોહ’માં ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

તા.૭/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ
જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે વિકાસને ગતિ મળે છે
શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન સાથે ખોડલધામ સંસ્થા રાજ્યના વિકાસમાં ફાળો આપી રહી છે
ગ્રીન ગ્રોથ માટે ‘એક પેડ મા કે નામ’, ‘કેચ ધ રેઈન’, ‘નેટ ઝીરો’, ‘સોલાર રૂફટોપ’ સહિતના અભિયાનોમાં સૌ નાગરિકોને જોડાવા આહવાન કરતા મુખ્યમંત્રીશ્રી
Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આજે કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને મંત્રીશ્રીના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી દેવભક્તિ અને દેશભક્તિ બંનેના પ્રખર હિમાયતી રહીને જનસેવા કરી રહ્યાં છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ”ના મંત્રના ઉલ્લેખ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે,
ધર્મ ત્યારે જ મહાન બને, જ્યારે તે માનવસેવા તરફ દોરી જાય. આ તકે મુખ્યમંત્રીશ્રીએ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજનો આ સન્માન સમારોહ એ વાતની સાબિતી છે કે, સમાજભાવનાથી થતા દરેક કાર્યો રાજ્ય સરકારને પ્રેરણા આપે છે. વડાપ્રધાનશ્રીએ ધર્મ અને રાષ્ટ્રભાવ સાથે સ્વચ્છતાને પણ એટલું જ મહત્વ આપ્યું છે. આ સંસ્થાની પણ વિશેષતા છે કે, અહીં ધર્મ અને ભક્તિ સાથે સમાજસેવા અને રાષ્ટ્રભક્તિને પણ સમાન મહત્વ અપાયું છે. મંદિરના પરિસરમાં સ્વચ્છતા, શિસ્ત અને પ્રાકૃતિક સુંદરતા એ દર્શાવે છે કે, જ્યારે ધર્મ અને રાષ્ટ્રભાવના સાથે ચાલે, ત્યારે સમાજ વધુ શક્તિશાળી અને સંવેદનશીલ બને છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવીને સમાજ અને રાષ્ટ્ર માટે સેવા આપે છે તે રાજ્યની વિકાસ યાત્રાનો આધાર બની રહ્યા છે.
શિક્ષણ અને કૃષિને રાષ્ટ્રનિર્માણના મજબૂત સ્તંભ ગણાવતાં તેમણે જણાવ્યું કે, ખોડલધામ મંદિરે પાટીદાર જ નહીં સમગ્ર ગુજરાતના માઇ-ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઊર્જા આપી છે. શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપીને ખોડલધામ રાજ્યના વિકાસની તકો ઉભી કરવામાં સહાયરૂપ થયું છે. સરકાર પણ યુવા-સામર્થ્ય, કૌશલ્ય-વિકાસ અને ખેતીના આધુનિકીકરણ માટે સતત કાર્યરત છે જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં આ તમામ વિષયો કેન્દ્રમાં રાખીને રાજ્યના ભાવિ વિકાસનો રોડમેપ સંગીન કરવાનો નિર્ધાર કર્યો છે.
ખોડલધામના પ્રણેતા નરેશભાઇ અને ટીમ આરોગ્યધામના પણ પ્રેરક બન્યા છે તે ખુશીની વાત છે તેવું જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ ટ્રસ્ટ દ્વારા વિકસાવવામાં આવી રહેલી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર માત્ર સારવારનું કેન્દ્ર નહિં, પરંતુ દર્દીનારાયણ માટે આરોગ્યસેવાનું ધામ બનશે.
શ્રી પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીનું માનવું છે કે, સંસ્થાઓ, સરકાર અને સામાન્ય નાગરિક આ ત્રણેય સાથે મળીને કામ કરે ત્યારે જ રાષ્ટ્રનો વિકાસ ઝડપી બને છે. જ્યારે સમાજ સંગઠિત, સંવેદનશીલ અને પર્યાવરણ માટે જવાબદાર બને ત્યારે વિકાસને ગતિ મળે છે. વડાપ્રધાનશ્રીએ એન્વાયર્મેન્ટ ફ્રેન્ડલી ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત ભારત ૨૦૪૭નો સંકલ્પ કર્યો છે. રાષ્ટ્રહિતના દરેક કામોમાં ખોડલધામ, કાગવડ સક્રિય રહ્યુ છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન ગ્રોથ માટે ‘એક પેડ મા કે નામ’, ‘કેચ ધ રેઈન’, ‘નેટ ઝીરો’, ‘સોલાર રૂફટોપ’ જેવા અભિયાનોમાં સૌ નાગરિકોને જોડાવા આહવાન કર્યું હતું.
કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખ માંડવીયાએ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજ મહેનતુ, ખુમારીભર્યો, દયાળુ અને હંમેશા અન્યની સહાયે આવતો સમાજ રહ્યો છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે સરકારે આપેલી રાહતની વિગતો આપવા સાથે તેમણે સમાજના કેટલાક અગ્રણીઓ પણ ખેડૂતોની મદદે આવ્યા છે તે બાબતને બિરદાવતા જણાવ્યું હતું કે સમરસતા આપણો સ્વભાવ અને સહકાર આપણી જીવનશૈલી છે.
કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આ તકે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં ક્યારેય ન થયા હોય તેવા ભારે કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે સરકારે તેમને મદદરૂપ થવા રૂ. ૧૦ હજાર કરોડથી વધુ રકમનું સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ અનુસાર ખેડૂતોને આ સહાય શક્ય તેટલી વહેલી તકે મળે તે માટે લીધેલા પગલાંઓ વિશે વિગતવાર માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતો માટે સંવેદનશીલ એવી કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે.
પૂર્વ મંત્રી અને નવનિયુક્ત ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલે આ તકે પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં.
રાજકોટ ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ કુંભાણીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ માઁ ખોડલના દર્શન કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
આ તકે ઉર્જા, કાયદો અને ન્યાય વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા, રાજ્યકક્ષાના નાણામંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી,
ધારાસભ્ય સર્વ, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી જે.વી. કાકડિયા, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી ભરતભાઈ બોઘરા સહિતના અગ્રણીઓ, ખોડલધામ ટ્રસ્ટના હોદ્દેદારો, સમાજના આગેવાનો, જિલ્લા કલેકટર શ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















