GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સોશિયલ મીડિયા કે ડેટિંગ એપમાં પરિચય કેળવવામાં સાવચેતી જરૂરી : સોશિયલ મીડિયાની પોસ્ટ બાબતે સતામણી કરતા યુવકને કાયદાના પાઠ ભણાવતી ૧૮૧ – અભયમ ટીમ

તા.૧૯/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: હાલ સોશિયલ મીડિયા અને ઓનલાઇન શાદી એપ દ્વારા એકબીજાના પરિચયમાં આવતા યુવક અને યુવતીઓએ સાવચેત રહેવું જરૂરી છે.

જે અંગે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાનો ઓનલાઇન શાદી એપના માધ્યમથી એક યુવક સાથે પરિચય થયા બાદ બંને પ્રેમમાં પડે છે. પરંતુ યુવક પ્રેમી દ્વારા તેના ભૂતકાળને લઈને યુવતીને સતત હેરાન કરતા યુવતીને તેમાંથી છુટકારો અપાવવા અભયમ ટીમ મદદે આવે છે.

આ અંગે વિગતે વાત કરતા અભયમ ટીમના કાઉન્સેલર સુમિતા પરમાર જણાવે છે કે, ગઈકાલે પીડિત મહિલાનો ફોન આવતા અમે, કોન્સ્ટેબલ શિલ્પાબેન અને પાયલોટ શ્યામભાઈ બહેનની મદદ માટે સ્થળ પર જઈ તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું.

પીડિતાએ સમગ્ર હકીકત જણાવતા કહ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાં તેમના છૂટાછેડા થઈ ગયા હતાં. ત્યારબાદ તે એક અન્ય યુવકના સંપર્કમાં આવ્યા હતા. જેની સાથે ત્રણ વર્ષ સંબંધ રહ્યા બાદ બ્રેકઅપ થઈ ગયું હતું. પીડિતાને સંતાનમાં એક દીકરો હોવાથી તેમણે વિચાર્યું હતું કે તેઓ લગ્ન કરીને હવે ફરીથી ગૃહસંસાર વસાવશે. તેથી તેમણે ઓનલાઇન એપના માધ્યમથી એક પુરુષના સંપર્કમાં આવી તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

પીડિતાએ વર્તમાન સંબંધ અંગે કહ્યું હતું કે, મેં હાલના પ્રેમીને તેમના છૂટાછેડા અને બાળક વિશે જણાવ્યું હતું, પરંતુ છૂટાછેડા બાદના ત્રણ વર્ષના ભૂતકાળના પ્રેમી સાથેના સંબંધ વિશે જાણ કરી નહોતી. જે અંગે પ્રેમીને ખ્યાલ આવતાં મને તે અંગે સતત પુછપરછ કરી શંકા કરતો હતો.

પીડિતાએ કહ્યું કે, તે બાબતે ઘણીવાર તેના પ્રેમી પાસે માફી માંગી હતી અને તેમની વચ્ચે સંબંધ ન તૂટે તેથી તે વાત છુપાવેલી એમ પણ જણાવ્યું હોવા છતાં યુવક અવારનવાર માનસિક ત્રાસ આપતો હતો.

વધુમાં યુવક મહિલાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પાસવર્ડ જાણીને પોતાના ફોનમાં મહિલાના સોશિયલ મીડિયાના આઈડી લોગીન રાખતો અને તેમની પોસ્ટ પર ધ્યાન રાખી શંકા કરતો હતો.

મહિલાએ આ યુવકના વર્તનથી કંટાળીને તેમનાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે પુરુષ મિત્ર તેને ધમકી આપતો હતો કે તે છોડીને જશે તો તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે. ગઈકાલ રાત્રે યુવકે મહિલાના ગૂગલ ફોટો ગેલેરીમાં મહિલાના જુના ફોટા જોઈને તે ડીલીટ કરવા જણાવ્યું હતું. ત્યારે મહિલાએ કહ્યું કે, તેઓ કોઇ સાથે નહિ પરંતુ એકલા જ ફરવા ગયા હતા ત્યારનાં ફોટો છે. પરંતુ યુવકે અપશબ્દો બોલી અને ઝઘડો કરી તેણીને માનસિક ત્રાસ આપ્યો હતો. વધુમાં પીડિતાને હેરાન કરવા માટે કામના સ્થળે જઈને પીડિતાને જાહેરમાં બદનામ કરી હતી. અંતે કંટાળીને મહિલાએ હેલ્પલાઈન પર મદદ માંગી હતી.

મહિલાની સઘળી વાત જાણી અભયમ ટીમે યુવકને બોલાવી સૌપ્રથમ સમજાવ્યા હતાં. કાયદાકીય ભાષામાં તેને સમજાવતાં, યુવકે મહિલાની માફી માંગી લેખિતમાં બાંહેધરી આપતાં કહ્યું હતું કે, આજ પછી તે મહિલાનો ક્યારેય સંપર્ક નહીં કરે, કામકાજના સ્થળ પર નહીં આવે તેમજ અન્ય રીતે હેરાનગતિ પણ નહીં કરે. મહિલાએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!