GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં રાજકોટમાં સહકારી મહા સંમેલન યોજાયું

તા.૨૨/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આર.ડી.સી. બેન્ક ખાતે સ્વ. વલ્લભભાઈ પટેલ, સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું શ્રી અમિતભાઈ શાહના હસ્તે અનાવરણ

રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર સમગ્ર દેશ માટે ઉદાહરણ રૂપઃ શ્રી અમિતભાઈ શાહ

જંતુનાશક દવા, રાસાયણીક ખાતરનો ઉપયોગ છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા શ્રી અમિતભાઈ શાહની ખેડૂતોને અપીલ

Rajkot: કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં આજે રાજકોટના રેસકોર્સમાં સહકારી મહા સંમેલન સહ રાજકોટની જિલ્લાકક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. આ તકે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈએ રાજકોટ જિલ્લા સહકારી બેન્ક ખાતે સ્વ. વલ્લભભાઈ પટેલ, સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે રાજકોટ પધાર્યા હતા. રેસકોર્સમાં મહા સહકાર સંમેલનમાં તેમણે રાજકોટ જિલ્લામાં સહકારી માળખાને સુદ્રઢ કરવાની થઈ રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી. આ માટે તેમણે હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે કહ્યું હતું કે, દેશમાં સહકાર મંત્રાલય દ્વારા કરોડો ખેડૂતો, પશુપાલકો અને માછીમારોની પોતાના પરસેવાની કમાણીનો નફો પોતાના ખીસ્સાંમાં આવે તેવું મજબૂત તંત્ર બનાવવાની કામગીરી ચાલી રહી છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ રાજકોટ જિલ્લા સહકારી બેન્કના સ્થાપક સ્વ. શ્રી વલ્લભભાઈ પટેલ તથા સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાએ બેન્કના માધ્યમથી ખેડૂતોના હિતમાં કરેલા કાર્યોને વાગોળ્યા હતા. આ બંને મહાનુભાવોએ ચીંધેલા લોકકલ્યાણના માર્ગે આગળ વધતાં બેંકને સશક્ત કરવાની થઈ રહેલી કામગીરીને તેમણે બિરદાવી હતી.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજે સહકારી મંડળીઓનો નફો મૂડીપતિઓના હાથમાં જવાને બદલે સામાન્ય ખેડૂતોના હિતમાં વાપરવામાં આવી રહ્યો છે. આજે સભાસદોના પરિવારોને અકસ્માત વીમા સહાય, મેડીકલ સહાય અને કૃષિ પુરસ્કાર આપવામાં આવ્યા છે, એ તેની સાબિતી છે.

રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર સમગ્ર દેશ માટે ઉદાહરણ રૂપ છે તેમ જણાવતાં તેમણે કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં અનેક પ્રકારની નવી શરૂઆતો થઈ છે. ભારત ઓર્ગેનિકની સ્થાપના કરીને ખેડૂતો પાસેથી ઓર્ગેનિક પ્રોડક્ટ લઈને તેનું વેચાણ કરીને તેમાંથી થયેલો નફો ખેડૂતોને પરત આપવાનું ઉમદા કામ થઈ રહ્યું છે.

તેમણે ખેડૂતોને અપીલ કરતાં કહ્યું હતું કે જંતુનાશક દવા અને રાસાયણીક ખાતરનો ઉપયોગ ઘટાડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. આજે રાસાયણિક ખાતરને કારણે જમીન અને નાગરીકોના સ્વાસ્થયને નુકશાન થઈ રહ્યું છે. ત્યારે દેશના લોકોના સ્વાસ્થ્યને સુધારવાનું કામ પોતાના હાથમાં લેવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કરીને ખેડૂતો મોટો નફો મેળવે તેવી વ્યવસ્થા પણ ભારત સરકાર કરી રહી છે. ત્યારે વૈશ્વિક ફલક પર ઓર્ગેનિક માર્કેટમાં પોતાનું મજબુત સ્થાન બનાવીએ.

આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૨૧માં અલગ સહકાર મંત્રાલય બનાવ્યા પછી, દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહ અનેકવિધ પગલાં લઈને સહકારી માળખાને મજબુત બનાવી રહ્યા છે. ૩૭૦ કલમ દૂર કરીને કાશ્મીરને ભારતનું રાજ્ય બનાવીને સરદાર વલ્લભાઈ પટેલનું અધુરું સ્વપ્ન શ્રી અમિતભાઈ શાહે પૂર્ણ કર્યાનું પણ તેમણે ઉમેર્યું હતું.

જ્યારે રાજ્યના જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, સૌની યોજનાથી ખેડૂતોને સિંચાઈના પાણી મળતા થયા છે અને તેઓ વધુ પાક લેતા થયા છે. સૌની યોજના થકી એક સમયે ઉજ્જડ રહેતો સૌરાષ્ટ્ર પ્રદેશ હરીયાળો બન્યો છે અને પશુપાલકોની હિજરત બંધ થઈ ગઈ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યોજનાની પાઈપલાઈન પસાર થતી હોય તેની આસપાસના તળાવોને ભરવાની કામગીરી પણ ગતિમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.

રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં અલાયદા સહકાર મંત્રાલયની રચના કરી. આ મંત્રાલય દ્વારા સહકારથી સમૃદ્ધિની નેમ સાથે ખેડૂતો, પશુપાલકોના હિત માટે ૬૦ જેટલી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘કો-ઓપેરશન અમોન્ગ કો-ઓપરેટિવ્સ’ને વેગ મળ્યો છે.

આ અગાઉ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

રાજકોટની જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં, રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન તથા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ ખેડૂત ભાઈઓને આવકારતા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ધિરાણ,થાપણો, શેર ભંડોળ, રોકાણો અંગેનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો.

નોંધનીય છે કે, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, જિલ્લા સહકારી સંઘ, જિલ્લા સહકારી કોટન માર્કેટિંગ યુનિ., જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રા, જિલ્લા સહકારી બેન્ક લિ.ના કર્મચારીઓની સહકારી મંડળી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા રેસકોર્સમાં યોજાઈ હતી.

આ અવસરે છેલ્લા ૧૫ વર્ષથી વધુ સમયથી સહકારી મંડળીઓમાં પ્રમુખશ્રી તરીકે સેવા આપનાર સભ્યોને સાફો, શાલ અને પુરસ્કાર રૂપે રૂ. ૨૧,૦૦૦ના ચેકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે બેન્ક અકસ્માત વીમા યોજના અન્વયે અકસ્માતે અવસાન થયેલા સભાસદોના વારસદારોને રૂ.૧૦ લાખનો ચેક અને વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના હેઠળ રૂ. ૧૫,૦૦૦ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, સાંસદો સર્વ શ્રી રામભાઈ મોકરીયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો સર્વ શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, અગ્રણી સર્વ શ્રી ભરતભાઈ બોઘરા, સહકાર ક્ષેત્રના અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!