Rajkot: કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં જામકંડોરણા અને ગોંડલ તાલુકા ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
તા.૧/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કુલ ૨૩૮ લાભાર્થીઓને કુલ રૂ. ૪૩ લાખથી વધુના ૪૩૦ સાધનોનો લાભ અપાયો
Rajkot: ભારત સરકારના શ્રમ અને રોજગાર, યુવા બાબત, રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં જામકંડોરણા અને ગોંડલ તાલુકાના અનીડા-ભાલોડી ગામ ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કેમ્પ જિલ્લા વહીવટી તંત્ર અંતર્ગત પી.જી.વી.સી.એલ. (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા એલીમ્કોના સહયોગથી સી.એસ.આર. ફંડ હેઠળ યોજવામાં આવ્યા હતા.
તા. ૦૧ માર્ચના રોજ જામકંડોરણામાં સાંસ્કૃતિક ભવન ખાતે ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાની ઉપસ્થિતિમાં આયોજિત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પમાં ૧૨૮ લાભાર્થીઓને ૨૦.૫૩ લાખના કુલ ૨૩૫ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગોંડલ તાલુકાના અનીડા-ભાલોડી ગામ ખાતે યોજાયેલા સેવા-સેતુ કાર્યક્રમ અન્વયે ૧૧૦ લાભાર્થીઓને રૂ. ૨૨.૫૭ લાખના કુલ ૧૯૫ સાધનો આપવામાં આવ્યા હતાં. આમ, કુલ ૨૩૮ લાભાર્થીઓને કુલ રૂ. ૪૩ લાખથી વધુના ૪૩૦ સાધનો આપવામાં આવ્યા હતાં.
આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં દિવ્યાંગોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અહીં દિવ્યાંગોને અસ્થિ વિષયક ખામી, સાંભળવાની ક્ષતિ, અંધત્વ, સેરેબ્રલ પાલ્સી કેટેગરીના દિવ્યાંગ લાભાર્થીઓને જરૂરિયાત મુજબ ટ્રાઈસિકલ, વ્હીલચેર, સ્માર્ટફોન, ફોલ્ડીંગ સ્ટિક સહિતના સહાયક ઉપકરણો આપવામાં આવ્યા હતાં.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી, જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.