Rajkot: ભૂતકાળને અનલોક કરો, ભવિષ્યનો આકાર આપો: INTACH – રાજકોટ ચેપ્ટર દ્વારા નેશનલ હેરિટેજ ક્વિઝ ૩.૦ નું સફળતા પૂર્વક આયોજન કરાયું
તા.૧૯/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે INTACH દ્વારા નેશનલ હેરિટેજ ક્વિઝ ૩.૦ નું આયોજન થયું હતું. આ ઇવેન્ટ INTACH રાજકોટ ચેપ્ટર, રાજકોટ સેલ્ફ-ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન, રેડિયો રાજકોટ ૮૯.૬ એફએમ, રોટરી મીડ ટાઉન લાઇબ્રેરી અને રાષ્ટ્રીય શાળાના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી.
આ ઇવેન્ટનો હેતુ વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાનની વહેંચણી અને તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો હતો. આપણા વારસાને અનુલક્ષીને આ સ્પર્ધામાં ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૮ શાળાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૨ રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. જેમાં આપણા વારસાનું જ્ઞાન, ઝડપી વિચાર અને ટીમ વર્કનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રથમ રાઉન્ડમાં મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચનના જવાબ આપવાના હતા તથા બીજું રાઉન્ડ ઓડિયો-વિઝ્યુઅલ રાઉન્ડ હતું, જેમાં ૮ ફાઇનલિસ્ટ નૂરાનિયા ઇંગ્લિશ સ્કૂલ, રાજકુમાર કોલેજ, ટી. એન. રાવ સ્કુલ અને વિઝન સ્કૂલ ૪ ટીમોએ ભાગ લીધો હતો. ટી.એન. રાવ સ્કુલની ટીમમાં સાનવી પાનસુરીયા અને પરિશા ચૌહાણ ધોરણ ૭ માંથી સ્ટેટ લેવલ રાઉન્ડમાં પહોંચ્યા હતા.
ઇન્ટેક રાજકોટના કન્વીનર આર્કિટેક્ટ રિદ્ધિ શાહે જણાવ્યું હતું કે, “રાજકોટની ઐતિહાસિક દ્રષ્ટિએ નોંધપાત્ર ઇમારતોમાં એક એવી રાષ્ટ્રીય શાળાના હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા સહભાગીઓ દ્વારા દર્શાવવામાં આવેલ ઉત્સાહ અને જ્ઞાન જોઈને ઇન્ટેક ટીમને ખૂબ આનંદ થયો હતો. વિદ્યાર્થીઓમાં કુતુહલ ખૂબ અગત્યનું છે અને તેમના બૌદ્ધિક વિકાસ માટે આવા કાર્યક્રમો નિર્ણાયક ભૂમિકા ભજવે છે”.
આ આયોજન માટે INTACH સભ્યો મિતેશ જોશી, નિયતી શાહ., હેમાંગી પટેલ, રિચા ભગદેવ, નંદન માણેક, મંથન સીનરોજા, હેમાત્રી બુચ, નિસર્ગ પારેખ, અક્ષેશ પીઠવા, આદિત્ય જાજલ, ચાર્મી જોગી, મીત ગજ્જર અને હેમાંગ, રાજકોટની કર્મયોગ એકેડમીના ૨૦ સ્વયંસેવકો તથા ટીમ INTACH ના સંસ્થાકીય સભ્યો જીનીયસ સ્કૂલ અને રોઝરી સ્કૂલ તરફથી સહકાર અને પ્રેરણા મળ્યા હતા. ઇવેન્ટ એન્કર કુ. નિયતી શાહ તથા RJ પ્રિયાંક ભટ્ટ અને ક્વિઝના એન્કર તરીકે પ્રો. મીનુ જસદણવાલા તથા શ્રીમતી. હેમાંગી પટેલનો સહયોગ મળ્યો હતો.