GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: VGRC – 2026 ઔદ્યોગિક ઉત્પાદનમાં રાજકોટની ‘વાઇબ્રન્ટ પ્રગતિ’: ખીલીના મશીનથી ફાઈટર પ્લેનના પાર્ટ્સ સુધીની સફર

તા.૭/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ખાસ લેખઃ સંદીપ કાનાણી

એશિયાની સૌથી પહેલી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રાજકોટમાં ૧૯૫૨માં સ્થપાઈ હતી

‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના મંત્રને સાર્થક કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં, ‘વાઇબ્રન્ટ ગુજરાત’ હવે પ્રાદેશિક સ્તરે યોજવામાં આવી રહી છે. મહેસાણા બાદ હવે રાજકોટમાં ૧૧ જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહેલી દ્વિતીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ માટે રાજકોટના ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગ-ધંધા ક્ષેત્રે રાજકોટ હંમેશા પ્રગતિશીલ રહ્યું છે. આઝાદી પૂર્વેથી ઔદ્યોગિક પાર્ટ્સથી લઈને મશીન્સના ઉત્પાદનમાં રાજકોટની પ્રગતિ ‘વાઇબ્રન્ટ’ રહી છે. એ અરસામાં રાજકોટ ખીલીના મશીન્સનું ઉત્પાદન અને નિકાસ કરતું હતું. આજે રાજકોટમાં મર્સિડીઝ કારથી લઈને ફાઇટર પ્લેનના પાર્ટ્સનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે.

 

ગુજરાત રાજ્ય બૃહદ મુંબઈ રાજ્યથી અલગ અસ્તિત્વમાં આવ્યું, એ પહેલાંના સમયમાં રાજકોટ પંથકમાં છૂટાછવાયા નાના-નાના કારખાનાઓ હતા અને મોટાભાગે કારીગર વર્ગ પરચૂરણ કામ કરતો હતો. સન ૧૯૪૧-૪૨માં રાજકોટમાં પ્રથમ ‘લંડન લેથ મશીન’ હંસરાજભાઈ વાલંભિયાએ વસાવ્યું હતું. આ પહેલા એક ફૂટ ઓપરેટેડ નાનો લેથ સાંગણવા ચોકમાં હતો, જેમાં સોઈંગ મશીનના પાર્ટનું રિપેરિંગ થતું હતું. સન ૧૯૪૬માં નેશનલ વાયર પ્રોડક્ટ કંપની શ્રી રવિભાઈ વાંકાણી દ્વારા સ્થપાઈ અને આ કંપનીએ ખીલી બનાવવાના મશીન્સ જાતે બનાવ્યા અને તેની વિદેશમાં નિકાસ પણ શરૂ કરી. આજે પણ આ કંપનીના વિવિધ મશીનની નિકાસ થાય છે.

સન ૧૯૫૨ના સમયગાળામાં એ સમયના સૌરાષ્ટ્ર રાજ્યમાં એશિયાનું પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (ઔદ્યોગિક વસાહત-ઉદ્યોગનગર) ભક્તિનગરમાં સ્થપાયું હતું. ૧૯૫૪માં રાજકોટના ઉદ્યોગકારોએ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સમક્ષ સ્વયંભૂ બિઝનેસ એક્ઝિબિશન ગોઠવ્યું હતું. એ પછી ઉમાકાંત પંડિતના સૂચનથી રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનની સ્થાપના થઈ હતી. સન ૧૯૭૮માં રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સ્થાપના થઈ હતી. ડીઝલ એન્જિન, છકડો રિક્ષા સહિત અનેક મશીનરીઝ રાજકોટની ભેટ છે.

આજે રાજકોટ જિલ્લામાં ૧૪ જેટલી જીઆઈડીસી છે. નાગલપરમાં રૂ. ૪૪૬ કરોડના રોકાણ સાથે નવો મેડિકલ ડિવાઈસ પાર્ક બનવા જઈ રહ્યો છે. ખીરસરા-૨ જીઆઈડીસી રૂ. ૧૩૧ કરોડના રોકાણ અને પીપરડીમાં પણ રૂ. ૯૫ કરોડના રોકાણ સાથે નવી જીઆઈડીસી બનશે. છાપરામાં એક નવી ઔદ્યોગિક વસાહત આકાર લેશે. ઉપરાંત ગોંડલ પાસે ૨૦૦ કરોડના ખર્ચે ટેક્નોલોજી હબ બનાવવામાં આવશે.

રાજકોટ જિલ્લાના ગઢકા ગામમાં રૂ. ૫૦૦ કરોડના ખર્ચે અમૂલ ડેરીનો પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે. જ્યારે હિરાસરમાં આવેલું રાજકોટ આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટ સિવિલ અને કાર્ગો ઉડ્ડ્યન ક્ષેત્રે નવા સીમાચિહ્નો હાંસલ કરવા જઈ રહ્યું છે.

રાજકોટ જિલ્લાના વિકાસમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો ફાળો મહત્વનો છે. સન ૨૦૦૫-૦૬માં રાજકોટમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના ૩૨,૪૬૧ યુનિટ હતા. જ્યારે ૨૦૧૦માં મધ્યમ અને મોટા ઉદ્યોગોના આશરે ૧૪૮૦ યુનિટ હતા. વર્તમાન સમયમાં રાજકોટ જિલ્લામાં ૨,૩૮,૦૬૯ સૂક્ષ્મ (માઇક્રો) ઉદ્યોગો, ૭૭૭૧ લઘુ (સ્મોલ સ્કેલ) ઉદ્યોગો અને ૮૭૦ મધ્યમ (મીડિયમ સ્કેલ) ઉદ્યોગો મળીને કુલ ૨,૪૬,૭૧૦ એમ.એસ.એમ.ઈ. છે. આ બધા ઉદ્યોગોમાં આશરે ૧૧ લાખથી પણ વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળતી હોવાનો અંદાજ ઔદ્યોગિક એસોસિએશનના જાણકારોએ વ્યક્ત કર્યો છે.

આજે રાજકોટની વિવિધ જી.આઈ.ડી.સી.માં આવેલા કારખાનાઓમાં સામાન્ય સ્ક્રૂથી લઈને વિવિધ ઓટોપાર્ટ્સ, મશીન ટુલ્સ, વૈભવી કારના લાઇનર્સ, ફાઇટર પ્લેન, ગન્સ વગેરે ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે.

આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગ-ધંધાને આસમાની ઉડાન આપશે, તેવો વિશ્વાસ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ની શરૂઆત કરાવી હતી. આજે હવે પહેલીવાર રિજનલ વાઇબ્રન્ટ રાજકોટના આંગણે યોજાવા જઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારો માટે આ સુવર્ણ અવસર છે. તેનાથી રાજકોટ-સૌરાષ્ટ્રની ઘણી પ્રોડક્ટ વિશ્વફલક પર પહોંચશે, ઉદ્યોગકારોને વધુ ફાયદો થશે, ધંધાઓનો વિકાસ થશે અને રોજગારીનો વ્યાપ વધશે.

Back to top button
error: Content is protected !!