એનઆઈડી અમદાવાદ ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓની ખુરશીઓનું અનોખું પ્રદર્શન “સીટ-ચ્યુએશન” લોકોનું ધ્યાન ખેંચી રહ્યુ છે

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ ખાતે “ફર્નિચર એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇન” અભ્યાસક્રમના બીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી વિશિષ્ટ ખુરશીઓનું એક્ઝિબિશન “સીટ-ચ્યુએશન: ડિઝાઇન પ્રોજેક્ટ વન” NIDના એક્વેરિયમ ગેલેરી ખાતે આયોજિત થયું છે. આ પ્રદર્શન 18 જુલાઈ 2025 સુધી લોકોએ નિહાળવા માટે ખુલ્લું રહેશે.
વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પરંપરાગત તેમજ આધુનિક મટિરિયલ્સના ઉપયોગથી નવીન અને સર્જનાત્મક ખુરશીઓ ડિઝાઇન કરવામાં આવી છે. આ એક્ઝિબિશન માત્ર એક ડિઝાઇન પ્રોજેક્ટ પૂરતું નથી, પણ તેમાં સાંસ્કૃતિક ચિંતન, જીવનશૈલીની સમજણ અને ફર્નિચરના આધુનિક ઉપયોગોને સુંદર રીતે પકડવામાં આવ્યા છે.
આ વિવિધ ખુરશીઓમાં ટિકવુડ અને કોટન પટ્ટીથી બનેલી “રુઆ” ખુરશી, ટિકવુડ અને કેન વડે તૈયાર કરાયેલી હળવી અને સાદગીપૂર્ણ “તાના” ખુરશી, તમિલનાડુના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી “અગમ” ખુરશી, કેનવાસ અને મેટલથી બનેલી અને પક્ષીના માળાને અનુરૂપ “ઘોસલા” ખુરશી, સાગ અને મેટલ રિંગ્સ વડે બનેલી “આહાર” ખુરશી, તેમજ ટિકવુડથી બનાવેલી “તપશીલ” ખુરશીનો સમાવેશ થાય છે. ખાસ ઉલ્લેખનીય છે કે, મેટલ અને ફ્લેક્સિપ્લાયથી બનેલી “આટમ” ખુરશી એ આધુનિક શૈલી અને મિનિમલ ડિઝાઇનનો ઉત્તમ સમન્વય રજૂ કરે છે.
વિદ્યાર્થીઓએ ખુરશીના ડિઝાઇનમાંથી માત્ર સૌંદર્ય નહિ પણ તેનો લાગણીશીલ અને ઉપયોગી પક્ષ પણ દર્શાવ્યો છે. દરેક ખુરશી પાછળ એક વિચારધારા અને ઉપયોગનો સ્પષ્ટ હેતુ છે – કોઈ ખુરશી ધ્યાન માટે યોગ્ય છે તો કોઈ આરામ માટે, કોઈ વાંચન માટે અનુકૂળ છે તો કોઈ ભોજનકાળમાં ઉપયોગી.
આ પ્રદર્શનના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર એલ.સી. ઉજાવને અને ગાર્ગી રાય ચૌધરી રહ્યા છે. વિદ્યાર્થી ટીમમાં વૈદેહી ઝા, ભાવિકા શર્મા, અબીરામી બી, અભિષેક રાજગુરુ, વંશ પટેલ, કવિશ હરિહરણ અને રાજ ઠાકરનો સમાવેશ થાય છે. તમામ વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધુનિકતા વચ્ચે સમતોલ સેતુ રચીને ખુરશી ડિઝાઇન કરી છે.
આ એક્ઝિબિશન માટે વિવિધ આર્ટ અને ડિઝાઇન પ્રોફેશનલ્સ, સ્થાનિક કલાકારો, અને રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શન માત્ર શૈક્ષણિક અભ્યાસનો ભાગ નહીં, પણ પોતાની સર્જનાત્મક ઓળખ ઉભી કરવાની એક તક બની છે.
આવા પ્રકારની પ્રસ્તુતિઓથી ભારતના ડિઝાઇન શિક્ષણની ઊંડાણસભર પદ્ધતિઓ અને વિદ્યાર્થી ટેલેન્ટના આધારે ઊભા થનારા નવીન વિચારોને વ્યાપક સ્વીકૃતિ મળે છે અને ભવિષ્યના ડિઝાઇનરો માટે પ્રેરણાસ્ત્રોતરૂપ બની રહે છે.







