Rajkot: ૨૬મીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે ‘વોટિંગ પ્રીમિયર લીગ’, નાગરિકો અચૂક મતદાન કરવા જાણીતા ક્રિકેટર શ્રી ચેતેશ્વર પુજારાની અપીલ

તા.૨૦/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
દરેક નાગરિકે પોતાનો કિંમતી મત આપી લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ: ચેતેશ્વર પુજારા
Rajkot: આગામી ૨૬ એપ્રિલના રોજ રાજકોટ મહાનગર પાલિકા, ગોંડલ નગરપાલિકા, તાલુકા તેમજ જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે મતદાન થનાર છે, ત્યારે ગુજરાતમાં ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર અને ક્રિકેટર શ્રી ચેતેશ્વર પુજારાએ નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે.
સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાની ગરમી સાથે આઈ.પી.એલ.ના રોમાંચ વચ્ચે લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં વધુમાં વધુ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. દરમિયાન ક્રિકેટ મેચમાં પીચ પર જવાબદારીપૂર્વક રમનારા ખેલાડી શ્રી ચેતેશ્વર પુજારાએ નાગરિકોને લોકશાહીની પીચ પર પોતાની ફરજ અદા કરવા અપીલ કરી છે.
શ્રી ચેતેશ્વર પુજારાએ એક સંદેશમાં જણાવ્યું છે કે, હાલમાં દેશમાં કેરી અને આઈ.પી.એલ.ની સિઝન ચાલી રહી છે, ત્યારે ખૂબ જ મહત્વની એવી ચૂંટણી પણ આવી ગઈ છે. ‘ચૂંટણી’ શબ્દ પોતે જ એક જવાબદારી અને અધિકાર દર્શાવે છે. જેમ ક્રિકેટર આખું વર્ષ મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આતુર હોય છે, તેવી રીતે એક જવાબદાર નાગરિકે ચૂંટણીમાં એટલા જ ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ.
પુજારાએ આ ચૂંટણીને ‘વોટિંગ પ્રીમિયર લીગ’ (VPL) ગણાવતા કહ્યું હતું કે, જેમ એક આઈ.પી.એલ. મેચ યોજવા માટે અનેક લોકો મહેનત કરે છે અને આપણે તેને દિલથી માણીએ છીએ, તેવી જ રીતે વોટિંગ પ્રીમિયર લીગને સફળ બનાવવા પણ કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. આ રાષ્ટ્રીય તહેવારમાં મત આપીને તેને સફળ બનાવવો એ આપણી ફરજ અને અધિકાર છે.
રાજકોટના મતદારો ક્યારેય કોઈ કાર્યમાં પાછા પડતા નથી તેમ જણાવી ચેતેશ્વર પુજારાએ અપીલ કરી હતી કે, તા. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર રાજકોટ મહાનગરપાલિકા, ગોંડલ નગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં દરેક નાગરિકે પોતાનો કિંમતી મત આપી લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ.




