RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં મગફળીના પાકમાં સફેદ ઘૈણના અસરકારક નિયંત્રણ માટે ખેડૂતોએ સાવચેતી રાખવી જરૂરી

તા.૫/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન મગફળીનો પાક મોટા પાયે લેવાતો હોવાથી પાકના આરોગ્ય અને ઉત્પાદન જળવાઈ રહે તે માટે સફેદ ઘૈણના ઉપદ્રવ સામે સમયસર અને વૈજ્ઞાનિક નિયંત્રણ અપનાવવું અત્યંત જરૂરી બન્યું છે. જિલ્લા પંચાયત રાજકોટના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સફેદ ઈયળ અંગે સાવચેત રહેવા અને યોગ્ય નિયંત્રણ પદ્ધતિઓ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉનાળામાં ઉંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલ કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત કીટકો(ઢાલિયા) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરભક્ષીઓથી તેનો નાશ થાય. સાંજના સમયે ખેતરના શેઢાપાળા પરના ઝાડને હલાવી તેના પર બેઠેલા ઢાલિયાને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો. ઘૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગાં કરી તેનો નાશ કરવો. મુંડાના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૧૫ વેટેબલ પાવડર (ન્યુનતમ ૨×૧૦૧ સીએફયુ/ગ્રામ) વાવેતર પહેલા એરંડીના ખોળ (૩૦૦ કિ.ગ્રા/હે) સાથે જમીનમાં આપવાની ભલામણ છે.

પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખવુ. મગફળી સાથે કપાસ, તુવેર, તલ, સુર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવા. જેમ કે, મગફળીની વેલડી જાતનું ૯૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે સૂર્યમુખીની એક હાર કરવી અથવા આડી મગફળીના ઉભા પાકમાં છેલ્લી આંતરખેડ પછી તુવેરની મધ્યમ મોડી પાકતી જાત બીડીએન-૨ મગફળીની બે હાર વચ્ચે વાવવી.

મુંડાના અસરકારક નિયંત્રણ માટે વાવેતર પહેલા ચાસમાં દીવેલીનો ખોળ ૫૦૦ કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું. પાક વાવતી વખતે ચાસમાં ક્લોરપાયરીફોસ ૧૦જી હેક્ટરે ૧૦ થી ૧૫ કિ.ગ્રા. પ્રમાણે આપવું. જરૂરીયાત ધ્યાને લઇ સફેદ ઘૈણના/મૂંડાના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. ૨૫ મી.લી. અથવા ફીપ્રોનીલ ૪૦% + ઈમીડાકલોપ્રીડ ૪૦% ડબલ્યુજી ૧ થી ૫ ગ્રામ અથવા કલોથીયાનીડીન ૫૦% ડબલ્યુડીજી ૪ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ દીઠ બીજને પટ આપી, બે ત્રણ કલાક બીજને છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!