RAJKOTRAJKOT CITY / TALUKO

એપાર્ટમેન્ટનાં ચોકીદારની 5 વર્ષની પુત્રીને 17 વર્ષના તરૂણે ઉપાડી જઈ દૂષ્કર્મ ગુજાર્યા

રાજકોટ, : શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટનાં ચોકીદારની 5 વર્ષની પુત્રીને 17 વર્ષના તરૂણે ઉપાડી જઈ દૂષ્કર્મ ગુજાર્યાની માનવજાતને શર્મસાર કરતી ચોંકાવનારી ઘટના બહાર આવી છે. એટલું જ નહીં ભોગ બનનાર બાળકીના પરિવારને પોલીસને જાણ નહીં કરવા તરૂણના શેઠે ધમકી આપી રૂા. 5,000 આપ્યા હતા. જેથી તરૂણના શેઠને પણ પોલીસે આરોપી બનાવ્યો છે.

ગઈ તા. 9ના રોજ રાત્રે રક્ષાબંધનના દિવસે ભોગ બનનાર બાળકીના પિતા કૌટુંબિક બહેન પાસે રાખડી બંધાવવા ગયા હતા. પાછળથી તેની પત્નીએ કોલ કરી 5 વર્ષની પુત્રી ગાયબ હોવાની જાણ કરી હતી. જેથી તત્કાળ ઘરે દોડી ગયા હતા. પત્ની સાથે મળી આજુબાજુમાં તપાસ કરી હતી. પરંતુ કયાંયથી પુત્રી મળી ન હતી. તે વખતે એપાર્ટમેન્ટમાં રહેતો તરૂણ તેની પુત્રી લઈને આવ્યો હતો અને તેને કહ્યું કે હું તમારી દીકરીને મારા શેઠના ઘરે જમવા લઈ ગયો હતો.

ત્યાર પછી તરૂણ જતો રહ્યો હતો. પછીથી જોતાં પુત્રી ગભરાયેલી જણાઈ હતી. ખૂબ જ રડતી હતી. જેથી પુત્રીની પુછપરછ કરતાં કાલીઘેલી ભાષામાં કહ્યું કે ઘરે એકલી હતી ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતો તરૂણ તેને એક રૂમમાં લઈ ગયો હતો. જયાં તેની ઉપર દૂષ્કર્મ ગુજાર્યું હતું.  તે રડવા લાગતા અને બુમો પાડતાં તરૂણે તેને ડરાવી હતી. આખરે તેણે ચિલ્લાવાનું શરૂ કરતાં તરૂણ તેને કપડાં પહેરાવી ઘરે મુકી ગયો હતો. આ પછી તરૂણના શેઠને બોલાવ્યો હતો. તેની સાથે એપાર્ટમેન્ટના રહીશો અને આગેવાનો વગેરે પણ આવ્યા હતા.

તમામને ઘટનાથી વાકેફ કરાતાં એપાર્ટમેન્ટના સંચાલકોએ માનવતા નેવે મુકી કહ્યું કે આ બાબતે પોલીસ ફરિયાદ કરશો તો આપણા એપાર્ટમેન્ટનું નામ છાપે ચડશે અને ખરાબ થશે. એટલું જ નહીં તરૂણના શેઠે પોલીસ ફરિયાદ કરશો તો એપાર્ટમેન્ટના સંચાલકોને કહી કામ પરથી કઢાવી નાખીશ તેવી ધમકી આપી હતી.

સાથો-સાથ દવાખાનાના ખર્ચાના નામે રૂા. 5,000 આપી મોઢું બંધ રાખવા કહ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ભોગ બનનાર બાળકીના પરિવારજનો નોકરીથી હાથ ધોવા પડશે તેવી બીકથી ફરિયાદ નોંધાવવા ગયા ન હતા. આજે સવારે ભોગ બનનાર બાળકીને પેટ અને ગુપ્ત ભાગે દુખાવો થતાં 108માં હોસ્પિટલમાં  લઈ જવાઈ હતી.  પરિવારજનોએ પોતાના શેઠ અને સમાજના આગેવાનને જાણ કર્યા બાદ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Back to top button
error: Content is protected !!