
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છની આરોગ્ય તંત્રમાં ‘બદલીઓનો એપેડેમિક’ : સામુહિક બદલીના વિરોધમાં હવે રાજ્ય મંડળ મેદાને
ભુજ,તા.4: ગુજરાતના સૌથી વિશાળ અને ભૌગોલિક રીતે અત્યંત વિષમ એવા કચ્છ જિલ્લાની આરોગ્ય સેવાઓ હાલ વહીવટી અણઘડતાનો શિકાર બની રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા ૪૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓની કરવામાં આવેલી સામુહિક અને બિનયોજિત બદલીઓને સ્થાનિક નિષ્ણાતો ‘બદલીઓનો એપેડેમિક’ ગણાવી રહ્યા છે. કચ્છ જિલ્લો રણપ્રદેશ, સીમાવર્તી વિસ્તારો અને અંતરિયાળ વસાહતોમાં વહેંચાયેલો હોવાથી અહીં આરોગ્ય સેવાઓ માત્ર તબીબી ઉપચાર પૂરતી સીમિત નથી પરંતુ તે કર્મચારી અને ગ્રામજનો વચ્ચેના અતૂટ વિશ્વાસ પર ટકેલી છે. એકાએક કરવામાં આવેલી આ બદલીઓથી સગર્ભા માતાઓ, શિશુઓ અને વૃદ્ધો માટે ‘ઓળખીતો ચહેરો’ છીનવાઈ જશે અને નવા આવનાર કર્મચારીઓને વિસ્તાર સમજવામાં મહિનાઓ લાગી જશે જે સમય દરમિયાન રસીકરણ, માતા-શિશુ સંભાળ અને ટીબી-મેલેરિયા મુક્તિ જેવા રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની સાતત્યતા ખોરવાવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે.
આ સામુહિક બદલીઓના વિરોધમાં હવે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ પણ મેદાને આવ્યું છે અને કચ્છના કર્મચારીઓને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. મહાસંઘ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ૦૧-૦૧-૨૦૨૬ના રોજ થયેલી આ બદલીઓમાં માર્ગદર્શક સિદ્ધાંતોનું સરેઆમ ઉલ્લંઘન થયું છે. નિયમ મુજબ શૈક્ષણિક સત્ર ચાલુ હોય ત્યારે અને કુલ સંખ્યાના ૧/૩ થી વધુ બદલીઓ ન થવી જોઈએ છતાં ૧૫૦ કિલોમીટર કરતા વધુ દૂરના અંતરે કર્મચારીઓને મૂકીને વહીવટી તંત્રે પોતાની કર્મચારી વિરોધી માનસિકતા છતી કરી છે. કર્મચારીઓમાં આ અવિચારી નિર્ણયને કારણે ઘોર નિરાશા અને રોષ વ્યાપેલો છે, કારણ કે વર્ષોથી પડતર નાણાકીય અને વહીવટી પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે આવી રીતે સામૂહિક બદલીઓ કરી જાણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.
કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ શ્રી દેવજીભાઈ નોરીયાએ એક યાદીમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ અન્યાયી બદલીઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં નહીં આવે અથવા યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થનારી લડતમાં રાજ્યભરના પ્રતિનિધિઓ પણ જોડાશે. રાજ્યના આરોગ્ય મંડળે માંગ કરી છે કે કાં તો આ બદલીઓ રદ કરવામાં આવે અથવા કર્મચારીઓને તેમના ઘરની નજીકના સ્થળે માંગેલ જગ્યા પર નિમણૂક આપવામાં આવે. આરોગ્ય સુરક્ષા એ કચ્છના નાગરિકોનો અધિકાર છે અને જો બદલીઓ નીતિને બદલે મનમાનીથી કરવામાં આવશે તો તેનો સૌથી મોટો ભોગ સામાન્ય જનતા બનશે. આ મામલે હવે રાજ્યના આરોગ્ય મંત્રી અને કમિશનર સુધી પણ રજૂઆતો પહોંચાડવામાં આવી છે જેથી ૧૬ ફેબ્રુઆરી પહેલા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી કર્મચારીઓ જગતમાં માંગ ઉઠી છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



