
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા-9 ઓગસ્ટ : મુન્દ્રા તાલુકાની વિરાણીયા પંચાયત પ્રાથમિક શાળામાં રક્ષાબંધનનું પર્વ ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે શાળાના આચાર્ય અનિલાબેન પ્રકાશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સવારથી સાંજ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા યોજવામાં આવ્યો હતો.
શાળામાં રજા પડ્યા બાદ સતત વ્યસ્તતાને કારણે થાકેલા અનિલાબેન પીટીસી કોલેજના તાલીમાર્થી પૂજાબેન પ્રકાશચંદ્ર ઠક્કર સાથે પોતાના વતન રતાડીયા જવા નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમનો ૩ લાખથી વધુની કિંમતનો સોનાનો કડો (પાટલો) પડી ગયો હતો.
આ કડો રતાડિયાની સીમમાં રહેતા મુસ્લિમ માલધારી અધ્રેમાનભાઈને મળ્યો હતો. તેમણે ઇમાનદારીપૂર્વક આ અંગે ગામના સામતભાઈ રબારીને જાણ કરી હતી. ત્યારબાદ, સામતભાઈના માધ્યમથી મૂળ માલિક અનિલાબેન પ્રકાશભાઈ જોષીનો સંપર્ક કરવામાં આવ્યો. અધ્રેમાનભાઈએ તાત્કાલિક જોષી પરિવારનો સંપર્ક કરી તેમનો કડો પરત કર્યો હતો.
જોષી પરિવારે અધ્રેમાનભાઈની આ ઇમાનદારી અને નિષ્ઠા જોઈ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ એ સાબિત કરી બતાવ્યું છે કે આજે પણ દુનિયામાં ઇમાનદાર લોકો મોજૂદ છે અને આવા લોકો જ સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. રક્ષાબંધન જેવા પાવન પર્વ પર થયેલી આ ઘટનાએ મુસ્લિમ પરિવાર દ્વારા બ્રાહ્મણ પરિવારને ચિંતા મુક્ત કરીને ધર્મ અને જાતિના ભેદભાવથી પર, માનવતા અને ઇમાનદારીના ઉત્તમ મૂલ્યોનું દર્શન કરાવ્યું છે.





