
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ એવી આદિવાસી કલા અને ડાંગી નૃત્યના તાલે વરસાદી માહોલમાં પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા
ગિરિમથક સાપુતારા ખાતે આજથી ‘સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ-૨૦૨૫’નો પ્રારંભ થયો છે. ગુજરાતનુ સૌથી લોકપ્રિય અને એકમાત્ર હિલ સ્ટેશન જ્યાં ચોમાસા દરમિયાન લોકકલા અને કુદરતી સૌંદર્યનો સમન્વય જીવંત તહેવાર બની જાય છે. વર્ષાઋતુની અસલી મજા, પ્રાકૃતિક સૌંદર્ય, સંસ્કૃતિ અને મનોરંજક કાર્યક્રમોની લિજ્જત માણવા પ્રવાસીઓ સાપુતારાના સોહામણા પર્યટક સ્થળે આવી પહોચ્યા છે.
પ્રકૃતિ અને સંસ્કૃતિના ‘સાપુતારા મેઘ મલ્હાર મહોત્સવ ૨૦૨૫’નો ઉદ્ઘાટન સમારોહ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે તા.૨૬ જુલાઈના રોજ સવારે ૧૦ કલાકે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
તા.૧૭ ઓગસ્ટ સુધી દરરોજ નવા આકર્ષણ સાથે ચાલનારા આ મહોત્સવમાં એક ભારત, શ્રેષ્ઠ ભારત આધારિત પરેડ, સાંસ્કૃતિક અને સંગીત કોન્સર્ટ, ક્રાફટ અને આદિવાસી કલા વર્કશોપ, આઉટડોર અને સાહસિક પ્રવૃતિઓ, સ્થાનિક વ્યંજનો અને નેચર ટ્રેઈલ તેમજ રેઇન ડાન્સ અને સેલ્ફી પોઇન્ટ જેવા આકર્ષણો સાથે આજથી આ ભવ્ય ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે.
કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજે ૨૬ જુલાઈ આપણા ભારતીય અને ગુજરાતી તરીકે ખૂબ મહત્વનો દિવસ છે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૬ જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મંત્રીશ્રીએ સૌ પ્રવાસીઓ અને શ્રોતાગણને કારગિલ વિજય દિન ની શુભકામના પાઠવી હતી. પ્રવાસન મંત્રી શ્રી એ રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવતા મોન્સુન ફેસ્ટિવલમાં ખૂબ સારું આયોજન કરવા બદલ પ્રવાસન નિગમ, સ્થાનિક પ્રશાસન અને તમામ આયોજકોને ખૂબ અભિનંદન આપ્યા હતા.
પ્રવાસન મંત્રીશ્રીએ સહેલાણીઓને ઉદ્દેશીને જણાવ્યું કે આપના સૌના મનોરંજન માટે આ ફેસ્ટિવલમાં દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો નવા નવા આકર્ષણો આયોજન કરવામાં આવ્યા છે. આ ચોમાસામાં સાપુતારાના વાતાવરણમાં ધરતીએ લીલી ચાદર ઓઢી, પર્ણો નવપલ્લવિત થયા છે ત્યારે સમગ્ર ડાંગ અને સાપુતારા પશ્ચિમ ઘાટનું મુખ્ય પ્રવાસન ક્ષેત્ર સાબિત થયું છે. સાપુતારાનો લેક ગાર્ડન, ગવર્નર હિલ, સનસેટ પોઇન્ટ જેવા રમણીય સ્થળો સાથે વારસો, વૈવિધ્ય અને સંસ્કૃતિના સમન્વય કરી આપ સૌ પ્રવાસીઓ માટે ભવ્ય આયોજનનો લાભ લો તેવી સૌને શુભેચ્છા. પ્રવાસન વિભાગ અને સાપુતારા એરિયા ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી અહીં આવનારા તમામ પ્રવાસીઓની સુખાકારી અને સુરક્ષા માટે હર હંમેશા તત્પર છે. આપણા સમૃદ્ધ વારસાને આધુનિકતાન સાથેના સંગમ માટે શ્રેય આપવો હોય તો નરેન્દ્રભાઇ મોદીને આપવો જોઈએ, કેમ કે એમની જહેમત અને ગુજરાતના એમના પ્રેમ અને લાગણીને લીધે આજે પ્રવાસન ક્ષેત્રે આપણે હરણફાળ ભરી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૦૦૧માં મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાત પ્રવાસન ક્ષેત્રે માર્કેટિંગ, બ્રાન્ડિંગ તેમજ ગુજરાતની ધરોહરના પ્રચાર પ્રસાર અને વિકાસના વેગ સાથે ચાલુ રાખ્યો હતો. હાલના વડાપ્રધાનશ્રીએ આપણા ગુજરાતને વર્ષ ૨૦૦૬ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવીને ગુજરાતને વૈશ્વિક ફલક પર સ્થાન અપાવ્યું. નરેન્દ્રભાઇ મોદીએ જે કેદી કંડારી તે આપણા લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ વધારી ગુજરાત ટુરિઝમ યાત્રાધામો, પહાડો, જળ પર્યટન, એડવેન્ચર, સ્પોર્ટ્સ, એક્ટિવિટી જેવા આકર્ષણો વધારી ગુજરાતની ધરામાં યશકલગી ઉમેરી પ્રવાસીઓને સતત આકર્ષ્યા છે. ગુજરાત રાજ્યનું પ્રવાસન બજેટમાં હાલ 300 થી 400 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અતિથિ દેવો ભવની ભાવનાને પ્રવાસન ઉદ્યોગ સાથે વણી લઈ સુરક્ષા અને આતિથ્યને અગ્રીમતા આપી છે. મંત્રીશ્રીએ પોતાના વક્તવ્યના અંતિમ ચરણમાં પ્રવાસન નિગમ, પ્રવાસન વિભાગ અને સ્થાનિક સત્તાતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. આ સાથે પ્રવાસીઓને લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા પ્રાકૃતિક વાતાવરણમાં ખીલેલા કૃષિ ઉત્પાદનો તેમજ હેન્ડીક્રફ્ટ જેવી ચીજવસ્તુઓ ખરીદવા લોકોને અપીલ કરી હતી.
ત્યાર બાદ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે સાપુતારા જેવું નાનકડું ગામ આજે વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે. સરકારે અહીંના આદિવાસી ભાઈઓ અને બહેનો માટે અનેકવિધ યોજનાઓ લાગુ પાડી છે તેમજ પ્રવાસીઓને આકર્ષવા કેટકેટલી સુવિધાઓ રજૂ કરી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રસ્તાઓ, પ્રવાસીઓ માટે સુરક્ષા અને સ્થાનિકને રોજગારી આપવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.
ઉદ્ઘાટન સમારોહની સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૩ રાજ્યોના ૧૧૦ કલાકારો સહિતનું નેશનલ એવોર્ડી કોરિયોગ્રાફી પ્રસ્તુત નૃત્ય તેમજ સ્થાનિક કલાકારો દ્વારા ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
અત્રેના ઉદ્ઘાટન સમારોહમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન, સાંસદ અને દંડક શ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, માજી ધારસભ્ય નરેશભાઈ પટેલ, ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર, ટુરિઝમ કમિશનર પ્રભાવ જોશી, ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાન, પ્રાયોજના વહીવટદાર આનન્દ પાટીલ, સંગઠનના હોદ્દેદાર કિશોરભાઈ ગામીત અને રાજેશભાઈ તથા મોટી સંખ્યામાં કલાકારો અને પ્રવાસીઓ હાજર રહ્યા હતા.








