BHUJGUJARATKUTCH

જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ તથા રામબાગ હોસ્પિટલ ગાંધીધામ ખાતે જુવેનાઈલ ડાયાબિટીસ ધરાવતા ૧૩ બાળકોની આર.બી.એસ.કે.ટીમ દ્વારા તપાસ કરાઈ

બાળકોને ડાયાબિટીસ કીટનું વિતરણ કરીને સારવાર અંગેનું માર્ગદર્શન અપાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૬ ડિસેમ્બર : મુખ્યમંત્રી એ ટાઈપ-૧ ડાયાબિટીસ- જુવેનાઈલ ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવ્યો હતો. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી તથા RCHO ડૉ. દિનેશ પટેલના માર્ગદર્શન હેઠળ જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ તથા રામબાગ હોસ્પિટલ ગાંધીધામ મધ્યે જુવેનાઈલ ડાયાબિટીસ ધરાવતા ૧૩ બાળકોની આર.બી.એસ. કે. ટીમ દ્વારા બાળરોગ નિષ્ણાંત પાસે તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલના સહયોગથી પ્રતીકરૂપે ૧૩ બાળકોને ડાયાબિટીસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બાળકોને ડાયટ, ઇન્સ્યુલીન લેવાની રીત તેમજ ડોઝ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, રાજ્યના અંતરિયાળ વિસ્તારોના પ્રાયમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ-1 ડાયાબિટીસની સારવારનો લાભ મળી રહે અને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાય તેવા આરોગ્ય સેવાલક્ષી અભિગમથી આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો નિર્ધાર કર્યો છે આ માટે તેમણે નાનામાં નાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળે તે માટે આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા-સંભાળ યોજના શરૂ કરી છે.કચ્છ ખાતે આયોજિત કાર્યક્રમોમાં RBSK ટીમના ડૉ.બ્રિજેશ પંડયા, ડૉ. મુનમુન સેજપાલ, ડૉ. અલ્પેશ મકવાણા, ડૉ. અર્જુન ગોર, ડૉ.એકતા ગોર, ડૉ.ભરત બલદાનિયા, ડૉ. સતીષ, ડૉ. પારુલ, ખ્યાતીબેન ઠક્કર તથા કૃતિબેન ભટ્ટી અને GKGH હોસ્પિટલ ભુજ તથા રામબાગ હોસ્પિટલ ગાંધીધામનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!