સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પનું સફળ આયોજન.
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ અને પી.એચ.સી.- નિરોણાની શ્રેષ્ઠ કામગીરી.

વાત્સલ્યમ્ સમાચાર.
રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૨૪ જુલાઈ : સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે આર.બી.એસ.કે. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- નિરોણા દ્વારા આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પની શરૂઆત દિપ પ્રાગટ્ય અને માં શારદે વંદનાથી કરવામાં આવી. આ કેમ્પ મેડિકલ ઓફિસર ડૉ રાહુલસિંહ ચૌહાણ તેમજ શાળાના આચાર્ય ડૉ વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર ડૉ. અજયભાઈ ત્રિવેદી, ડૉ. શૈલીબેન શુક્લા તથા સમગ્ર આરોગ્ય ટીમનું શાળાના આચાર્ય ડૉ. વી.એમ.ચૌધરી સાહેબે શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોને શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવેલ હતુ.
પી.એચ.સી. સુપરવાઇઝર ઉમરભાઈ સુમરાએ વર્ષાઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગો — ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા વિશે માહિતગાર કરી તેના નિવારણના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ડૉ. ત્રિવેદી સાહેબે આરોગ્ય વિષયક સવિસ્તૃત સમજણ આપી કેમ્પની શરૂઆત કરાવી હતી.
આ કેમ્પમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓની બ્લડ ગ્રૂપ ચકાસણી, હીમોગ્લોબિન તપાસ, હ્રદય, આંખ અને દાંતની તપાસ, ઊંચાઈ, વજન તથા અન્ય આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વચ્ચે પેમ્પલેટ વિતરણ કરી આરોગ્ય વિષયક જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરાયેલ હતો. ડૉ. ત્રિવેદીના જણાવ્યા મુજબ વિધાર્થીઓ માટેનો કદાચ આ સૌથી મોટો બ્લડ ગ્રૂપિંગ કેમ્પ હતો. આ ઉપરાંત, વિદ્યાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી, જેમાં ૩૧થી પણ વધુ આયુષ્યમાન કાર્ડ તાત્કાલિક બનાવી આપવામાં આવેલ હતા.આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે આર.બી.એસ.કે. ટીમ, પી.એચ.સી. સ્ટાફ તથા શાળાના શિક્ષકમિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધી ભૂમિબેન વોરાએ કરેલ હતી.



















