તારીખ ૨૦/૦૮/૨૦૨૫ ના રોજ અત્યારે ભારે વરસાદથી જૂનાગઢ જિલ્લાના ૫ તાલુકાઓ અસરગ્રસ્ત થયેલ છે.જેમાં અસરગ્રસ્ત થયેલ તમામ તાલુકાના ગામોમાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયતના માર્ગદર્શન અનુસાર ઇમરજન્સી ઓ.પી.ડી. શરુ કરી દેવામાં આવી છે. હાલમાં ભારે વરસાદના લીધે કુલ ૭૨ ગામો અસરગ્રસ્ત થયેલા છે.આજરોજ કુલ ૨૦ દર્દીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાંથી ૭ ને સરકારી હોસ્પિટલ, ૩ ને પ્રાઈવેટ હોસ્પિટલ તેમજ ૧૦ ને તેમના સગા સંબંધીને ત્યાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.આ તમામ દર્દીઓ અને અસરગ્રસ્તોનું અત્યારે સુપરવિઝન સતત કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કક્ષાએ મોનીટરીંગ રૂમ પણ યુદ્ધના ધોરણે કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
તેમજ આ અઠવાડિયા દરમિયાન આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં બહોળી સંખ્યામાં આશા બહેનો અને પેરા મેડિકલ સ્ટાફ તેમની ફરજ બજાવી રહ્યો છે. જેમાં મચ્છર, માખીના પોરાભક્ષક માછલીઓ અને જનજાગૃતિના સંદેશા દર્શાવતી પત્રિકાઓનું વિતરણ પણ લાભાર્થીઓને કરવામાં આવી રહ્યું છે. જેથી નાગરિકો તેમના ઘરે જ મચ્છર, માખીનો નાશ કરી શકે અને રોગમુક્ત રહી શકે.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ