Rajkot: ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ૧૫ સપ્ટેમ્બર સુધી કરી શકાશે
તા.૧૩/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. કૃષિ ખાતા દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે, તે સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરીને જે તે જણસીના વાવેતરની ચકાસણી કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાક માટે ખેડૂતોએ નોંધણીમાં દર્શાવવામાં આવેલા સર્વે નંબરમાં મગફળીના વાવેતરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સેટેલાઇટ સર્વે થકી જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે, તેવા કિસ્સામાં ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે. જેથી, હાલમાં ચાલી રહેલા ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જિલ્લાના તમામ ખેડૂતોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવો જોઈએ.
વધુમાં, એગ્રી સ્ટેક ડીજીટલ ક્રોપ સર્વે પ્રોજેકટ અંતર્ગત ખરીફ પાક માટે ખેડૂત તેમના ગામના સર્વેયર અથવા ખેડૂત જાતે પોતાના ખેતરના પાક વાવેતર સર્વેની કામગીરી કરી શકે છે. જેના માટે ખેડૂતે પોતાના એન્ડ્રોઇડ મોબાઈલમાં Digital Crop Survey – Gujarat એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહે છે. ત્યારબાદ આ એપમાં સર્વેની કામગીરી થાય છે. ખેડૂતે એપ્લિકેશન ઓપન કરી, ભાષા સિલેકટ કર્યા બાદ એકાઉન્ટમાં સાઈન ઈન કરીને મેનુમાં જવાનું છે. ત્યારબાદ ઓ.ટી.પી.ની પ્રક્રિયા થાય છે. આ એપ્લિકેશન મારફત ખેડૂત જાતે પોતાના ખેતરની પાક વાવેતરની નોંધણીની આગળની કાર્યવાહી કરી શકે છે. જેને ધ્યાને લઈને જિલ્લાના તમામ ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ ઉપરાંત, રાજ્યના ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તે જ સર્વે નંબરની ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા અને મગફળી વાવેતરનો જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇ તે પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવા પણ ખેતી નિયામક, ગાંધીનગરની કચેરીની યાદીમાં અનુરોધ કરાયો છે.