
શેરબજારમાં સમગ્ર વર્ષ દરમિયાન ભારે વોલેટિલિટી જોવા મળી હોવા છતાં, લાર્જ-કેપ શેરોમાં રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો છે. તેના પરિણામે રૂપિયા એક લાખ કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓની સંખ્યા ગત વર્ષે ૯૭ હતી તે વર્તમાન વર્ષમાં વધીને લગભગ ૧૧૦ સુધી પહોંચી ગઈ છે. એક રિપોર્ટ મુજબ, બીએસઈમાં લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપમાંથી લગભગ ૬૨% હિસ્સો આ ૧૧૦ લાર્જ-કેપ કંપનીઓ પાસે છે. ગયા વર્ષે, રૂપિયા એક લાખ કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતી ૯૭ કંપનીઓ કુલ માર્કેટ કેપના આશરે ૬૦% જેટલો હિસ્સો ધરાવતી હતી. લાર્જ-કેપ કંપનીઓની સંખ્યા અને માર્કેટ કેપમાં થયેલો વધારો એ સંકેત આપે છે કે રોકાણકારો અસ્થિર બજાર પરિસ્થિતિમાં મજબૂત બેલેન્સ શીટ અને સ્થિર કમાણી ધરાવતી કંપનીઓ તરફ વધુ વળ્યા છે.
બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અંદાજે રૂ.૨૦.૯૦ લાખ કરોડની માર્કેટ કેપ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે એચડીએફસી બેન્કની માર્કેટ કેપ રૂ.૧૫ લાખ કરોડને પાર કરી ચૂકી છે. રિપોર્ટ મુજબ, ૨૦૨૫ દરમિયાન લાર્જ-કેપ અને મેગા-કેપ સ્ટોક્સની કામગીરી મિડ-કેપ અને સ્મોલ-કેપની સરખામણીએ વધુ સારી રહી છે. ભલે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) મારફતના નાણાં મિડ અને સ્મોલ-કેપ શેરોમાં પણ વળી રહ્યા હોય, છતાં બજારના એકંદર દેખાવમાં લાર્જ-કેપ શેરો વધુ સ્થિર અને મજબૂત સાબિત થયા છે.
આ વર્ષે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઊંચી સપાટીઓ સ્પર્શી છે. નોંધપાત્ર બાબત એ છે કે આ ૧૧૦ લાર્જ-કેપ કંપનીઓમાંથી આશરે ૨૦ કંપનીઓ એવી છે જેણે પહેલી જ વખત રૂપિયા એક લાખ કરોડની માર્કેટ કેપનો માઈલસ્ટોન પાર કર્યો છે. એચપીસીએલ, વોડાફોન, ભેલ, મઝગાંવ ડોક જેવી કંપનીઓનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. બીજી તરફ, ગયા વર્ષે રૂપિયા એક લાખ કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતી ૧૨ કંપનીઓ વર્તમાન વર્ષમાં ફરીથી આ મર્યાદાથી નીચે સરકી ગઈ હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


