
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ફરવા માટે આવતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે.ઘણા લાંબા સમયથી સનરાઇઝ પોઇન્ટ, સનસેટ પોઇન્ટ અને ટેબલ પોઇન્ટ તરફ જતા બિસ્માર અને જોખમી માર્ગને લઈ પ્રવાસીઓમાં ભારે નારાજગી હતી.પરંતુ હવે ડાંગ જિલ્લા કલેકટર શાલિની દુહાનનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા નોટિફાઈડ એરિયા અથોરિટી દ્વારા આ માર્ગના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન હોવાથી અહીં દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને સવારે સૂર્યોદય અને સાંજે સૂર્યાસ્તના મનમોહક દ્રશ્યો જોવા સનરાઇઝ અને સનસેટ પોઇન્ટ પર પ્રવાસીઓની ભારે ભીડ ઉમટે છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પોઇન્ટ તરફ જતો માર્ગ ખાડા-ખબડાથી ભરેલો, સંકોચાયેલો અને જોખમી બન્યો હતો.વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી તેમજ પગપાળા જતા પ્રવાસીઓ માટે પણ અકસ્માતનો ભય સતાવતો હતો.આ સ્થિતિને ગંભીરતાથી લઈ જિલ્લા વહીવટીતંત્ર અને સાપુતારા નોટિફાઈડ એરિયા દ્વારા માર્ગ નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. હાલ માર્ગ ઉપર નવી ડામર પાથરણી, વળાંકોને સુરક્ષિત બનાવવી, સાઇડ પાટીયા મજબૂત કરવી તેમજ ગાર્ડરેલની મરામત જેવી કામગીરી ઝડપથી ચાલી રહી છે. સાથે સાથે પ્રવાસીઓની સુવિધા માટે પોઇન્ટ વિસ્તારોમાં બેઠકો, સ્વચ્છતા, સલામતી અને દૃશ્યાવલિ માણવા અનુકૂળ વ્યવસ્થા પણ વિકસાવવામાં આવી રહી છે.નવેસરથી બની રહેલા માર્ગ અને વધતી સુવિધાઓને લઈ પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. ઘણા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે “સાપુતારા કુદરતી સૌંદર્યથી ભરપૂર છે, પરંતુ હવે માર્ગ અને સુવિધાઓ સુધરતા પ્રવાસનો આનંદ બમણો થયો છે.” પ્રવાસીઓ સાપુતારાના વિકાસ માટે વહીવટીતંત્રની કામગીરીની ખુલ્લેઆમ પ્રશંસા કરી રહ્યા છે.સ્થાનિકો અને પર્યટન સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે આ માર્ગ સુધારાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે, જેના કારણે રોજગારી અને સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂતી મળશે. સનરાઇઝ, સનસેટ અને ટેબલ પોઇન્ટ જેવા મુખ્ય આકર્ષણો સુધી સુલભ અને સુરક્ષિત માર્ગ બનતાં સાપુતારા પ્રવાસનના નકશા પર વધુ ઉજાગર બનશે.આ રીતે, લાંબા સમયથી અવગણાયેલા બિસ્માર માર્ગનું નવીનીકરણ શરૂ થતાં સાપુતારા માટે વિકાસનો નવો અધ્યાય શરૂ થયો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે..






