Rajkot: રાજકોટમાં આયોજિત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભમાં રોજગાર પત્ર મેળવતાં યુવાનોના પ્રતિભાવો
તા. 8/10/2025
વાત્સલયમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
Rajkot: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન-જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત રાજકોટમાં આયોજિત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભમાં યુવાનોને રોજગાર પત્ર આપવામાં આવ્યા હતાં.
મને કલ્યાણ જ્વેલર્સ જેવી નામી કંપનીમાં જોબ કરવાનો મોકો મળ્યો, જે ખુશીની વાત છે : શ્રી મહેક વાઘેલા
શ્રી મહેક વાઘેલા કહે છે કે, રાજકોટની મહિલા કોલેજમાં જોબ ફેર યોજાયો હતો. જેમાં ઇન્ટરવ્યુ આપીને મને નોકરી મળી હતી. મને કલ્યાણ જ્વેલર્સ જેવી નામી કંપનીમાં જોબ કરવાનો મોકો મળ્યો, જે ખુશીની વાત છે. આ નોકરી મને કારકિર્દી ઘડતરમાં ખૂબ ઉપયોગી બનશે. રોજગાર મેળવવા ઇચ્છતાં યુવાનો માટે આ પ્રકારના આયોજનો સરકાર ગોઠવતાં રહે, તેવી મારી ઈચ્છા છે.
દર મહિને સેલેરી મળવાના કારણે પરિવારને આર્થિક સહકાર આપી શકું છું : શ્રી આદિત્ય વ્યાસ
શ્રી આદિત્ય વ્યાસ જણાવે છે કે, રાજકોટની રોજગાર કચેરી દ્વારા તા. ૨૬/૦૯/૨૦૨૫ના રોજ એમ. જે. કુંડલીયા કોમર્સ અંગ્રેજી મહિલા કોલેજમાં આયોજિત રોજગાર ભરતી મેળામાં મેં ભાગ લીધો હતો. જેમાં કટારીયા ઓટોમોબાઇલ શો રૂમના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં એક્ઝિક્યુટિવ ઓફિસરની પોસ્ટમાં મારી પસંદગી થઈ હતી. હાલ હું ત્યાં તા. ૧૦/૦૯/૨૦૨૫થી નોકરી કરું છું. મારો પગાર રૂ. ૧૨,૫૦૦ છે. દર મહિને સેલેરી મળવાના કારણે હવે હું પરિવારને આર્થિક સહકાર આપી શકું છું.
મારા માટે નોકરી મેળવવી, એ સરકાર તરફથી દિવાળીની ભેટ સમાન છે : શ્રી મૌલિક ખેર
શ્રી મૌલિક ખેરે જણાવ્યું હતું કે, હું ગ્રેસ કોલેજમાં આયોજિત ભરતી મેળામાં જોડાયો હતો. જેમાં મેં વિવિધ ખાનગી કંપનીઓમાં નોકરી માટે અપ્લાય કર્યું હતું. જેમાંથી મને ક્રોમાના શો રૂમમાં નોકરી મળી છે. મારા માટે ખાનગી નોકરી મળવી, એ સરકાર તરફથી દિવાળીની ભેટ સમાન છે. મારા જેવા અનેક યુવાનોને રોજગારીની તક આપવા ગુજરાત સરકાર ચિંતિત છે, જેના માટે મુખ્યમંત્રીશ્રીનો ધન્યવાદ.
મારા માટે રોજગાર પત્ર યાદગીરીરૂપ બની રહેશે, જે બદલ સરકારનો આભાર : શ્રી સતીષ ભમ્મર
શ્રી સતીષ ભમ્મરે કહ્યું હતું કે, સરકારના પ્રયાસોને લીધે યુવાનોને રોજગાર સેવા ઘર આંગણે મળી રહી છે. રાજકોટમાં કુંડલીયા મહિલા કોલેજમાં આયોજિત ભરતી મેળામાંથી મને કટારીયા ઓટોમોબાઇલ શો રૂમમાં ટેલીકોલર તરીકે નોકરી મળી હતી તથા આ કાર્યક્રમમાં રોજગાર પત્ર આપવામાં આવ્યું છે, જેણે મારા ઉત્સાહમાં વધારો કર્યો છે. મારા માટે રોજગાર પત્ર યાદગીરીરૂપ બની રહેશે, જે બદલ સરકારનો આભાર