BHUJGUJARATKUTCH

“સખી” વન સ્ટોપ સેન્ટર ભુજ દ્વારા મધ્યપ્રદેશની કિશોરીનું પરિવાર સાથે પુનઃસ્થાપન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૧૦ જુલાઈ : મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા હિંસાથી પીડિત મહિલાઓ અને કિશોરીઓને એક જ સ્થળેથી તાત્કાલિક સંકલિત સેવાઓ પૂરી પાડવાના ઉદેશ્યથી “સખી” વન સ્ટોપ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. આ યોજનાના અમલમાં ભુજમાં કાર્યરત “સખી” વન સ્ટોપ સેન્ટરે તાજેતરમાં એક સંવેદનશીલ કેસમાં પ્રશંસનીય કાર્ય કર્યું છે. મધ્યપ્રદેશ રાજ્યના સેડોલ જિલ્લાના અસવારી ગામની રહેવાસી કિશોરી કે જેમની ઉમર ૧૮ વર્ષની હતી તે કિશોરીને તા. ૨ જુલાઈ, ૨૦૨૫ના રોજ વહેલી સવારે ૦૪:૪૦ કલાકે મદદ માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રીફર કરવામાં આવેલ હતી. કિશોરીનું કાઉન્સિલિંગ કરવામા આવ્યું અને તેનાં પરિવારજનોના સંપર્કસૂત્રો મેળવવામાં આવ્યા. કિશોરી અન્ય રાજ્યની હોવાને કારણે ભાષા અને સંસ્કૃતિની અડચણ છતાં, ભુજના સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે સંવેદનશીલતા અને દૃઢતાપૂર્વક પરિવાર સાથે સંપર્ક સાધ્યો. આખરે કિશોરીના પરિવારજનો તા.૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ ભુજ પહોંચ્યા હતા. દીકરીની ઉમર નાની હોવાથી કાયદા અનુસાર તેને બાળ કલ્યાણ સમીતિ (Child Welfare Committee – CWC) સમક્ષ રજૂ કરીને કાયદેસર રીતે તેના પરિવારના સોંપણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કિશોરી અને તેના પરિવાર વચ્ચે થયેલું પુનઃમિલન અત્યંત ભાવુક અને હરખભર્યું હતું. આ પ્રસંગે કિશોરીના ચહેરા પર ખુશીના આંસુ ઝળકી ઉઠ્યા હતા. આ સમગ્ર કામગીરીમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન દવે, “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શ્રી ભાવનાબેન અને સમગ્ર સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ભુજનું સખી વન સ્ટોપ સેન્ટર (મુક્ત જીવન સર્કલ, બાયપાસ રોડ, ભુજ – કચ્છ) ૨૪x૭ કાર્યરત છે અને હંમેશા મહિલાઓ અને કિશોરીઓ માટે મદદરૂપ થવા તત્પર રહી છે.

 

Back to top button
error: Content is protected !!