GUJARATKUTCHMANDAVI

ગુજરાતમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવા નિવૃત્ત શિક્ષકોનો સહયોગ: સમયની માંગ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોટૅર :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી કચ્છ, તા.27 જુલાઈ : ગુજરાતમાં શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ અને અદાલતી કાર્યવાહીના કારણે શિક્ષણ કાર્યમાં અવરોધ ઊભો થવાની સંભાવના છે. આ પરિસ્થિતિમાં, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવી ભરતી ન થાય ત્યાં સુધી ગામડાઓમાં નિવૃત્ત શિક્ષકો દ્વારા શૈક્ષણિક સેવાઓ પૂરી પાડવાના નિર્ણયને આવકારવો અત્યંત જરૂરી છે. આ નિર્ણય દ્વારા બાળકોના શિક્ષણ જીવનમાં સુખનો સૂરજ ઉગશે અને પ્રકાશ ફેલાશે.

વર્ષોનો અનુભવ ધરાવતા અને શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર નિવૃત્ત શિક્ષકો, જેમને આપણે ‘દાદા’ તરીકે પણ ઓળખીએ છીએ, તેઓ પોતાના ગામના કે આસપાસના બાળકોને શિક્ષણ આપવા તૈયાર હોય તે પ્રશંસનીય બાબત છે. આવા સમયે કેટલાક ઉમેદવારો દ્વારા આ નિર્ણય સામે વાંધો ઉઠાવીને ભરતી પ્રક્રિયા પર સ્ટે મેળવવામાં આવ્યો છે, ત્યારે એ સમજવું મુશ્કેલ છે કે જ્યાં સુધી કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થાનો સ્વીકાર શા માટે ન કરવો જોઈએ.

નિવૃત્ત શિક્ષકો, જેઓ વર્ષોથી સરકારનો પગાર મેળવી રહ્યા છે અને અત્યારે પણ જીવનજરૂરીયાત કરતાં વધુ પેન્શન મેળવી રહ્યા છે, તેઓ જો નિઃશુલ્ક સેવા આપવા તૈયાર હોય, તો આ નિર્ણયને દિલથી વધાવવો જોઈએ. તેમના અનુભવોનો લાભ નવી પેઢીને મળશે, જે શિક્ષણના સ્તરને ઊંચો લાવવામાં મદદરૂપ થશે. કોર્ટના નિર્ણયમાં બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે, અને આ સમયગાળા દરમિયાન બાળકોના ભણતરને કોઈ નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવું એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે.

મુખ્યમંત્રી (મોટા દાદા)ના આ નિર્ણય પાછળનો મુખ્ય આશય શિક્ષણના અવિરત પ્રવાહને જાળવી રાખવાનો છે. આ પડકારજનક સમયમાં, નિવૃત્ત શિક્ષકોનો સહયોગ એ શિક્ષણ વ્યવસ્થા માટે એક વરદાનરૂપ સાબિત થઈ શકે છે. આશા છે કે આ અંગે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવી, સૌના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં શિક્ષણની જ્યોત હંમેશા પ્રજ્વલિત રહેશે.

Back to top button
error: Content is protected !!