Rajkot: જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતીની બેઠક યોજાઈ
તા.૨૮/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ટ્રાફિક નિયંત્રણ, રસ્તા પરના ખાડાઓ અને દબાણો દૂર કરવા સહિતની કામગીરી તાકીદે પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને કલેકટરશ્રીની સૂચના
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ક્લેક્ટરશ્રીએ જિલ્લામાં આવેલા હાઈવે સહિત રસ્તાઓ પર ટ્રાફિક નિયંત્રણ, રોડ-રસ્તા પરના ખાડાઓ અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા અને તાકીદે કામગીરી પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને સુચના આપી હતી. તેમજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ્)/(પંચાયત) સહિતના સંબંધિત વિભાગોએ કરેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ સાથે જિલ્લામાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી જાગૃતિની કામગીરી-ઝુંબેશની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં માર્ગ સલામતીને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ગોંડલ ચોકડીથી ગોંડલ હાઇવે રોડ, ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી રોડ, બેડી ચોકડીથી મોરબી રોડ, રાજકોટ-ભાવનગર હાઈવે રોડ, રાજકોટ-બામણબોર હાઇવે રોડ પર કરાયેલી સ્થળ મુલાકાત દરમિયાન હાઈ માસ્ક લાઈટ, ગેરકાયદેસર ગેપ ઈન મિડિયન દૂર કરવા, લેન ડ્રાઈવિંગ બોર્ડ મૂકવા, સ્ટોપ સાઈન, બોમ્પ, સ્પીડ લિમિટ સહિતના બોર્ડ મૂકવા, હાઇવે પર સતત પેટ્રોલિંગ કરવા સહિતની કામગીરી અને સુધારાત્મક પગલાંઓ લેવા કલેકટરશ્રીએ અધિકારીશ્રીઓને માર્ગદર્શન અને જરૂરી સુચના આપી હતી.
આ બેઠકમાં આર.ટી. અધિકારીશ્રી કેતન ખપેડ, રાજકોટ ગ્રામ્ય ડી.વાય.એસ.પી. શ્રી એસ.એસ. રઘુવંશી, ૧૦૮ના શ્રી ચેતન ગાધે, સહીત એન.એચ. એ.આઈ., આર.એન્ડ બી. ગ્રામ્ય, નેશનલ ડિવિઝન સ્ટેટ હાઇવે, રૂડા, શિક્ષણ, આરોગ્ય, સહિતના રોડ સેફટી કમિટીના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતાં.