Rajkot: સરકારી શાળામાં શિક્ષકો તેમજ વર્ગખંડોની મોટા પ્રમાણમાં ઘટ સામે AAP વિદ્યાર્થી પાંખ ASAP દ્વારા રસ્તા રોકો આંદોલન

તા.૧૯/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
18થી વધુ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત
સરકારી શિક્ષકોની અછત તાત્કાલિક ભરતી દ્વારા ભરવામાં આવે : સુરજ બગડા AAP
સરકારી શાળામાં નવા વર્ગખંડો અને જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે : સુરજ બગડા AAP
Rajkot: સરકારી શાળાઓ નવી ચાલુ થવાના બદલે બંધ થવી, શિક્ષકોની ઘટમાં સતત વધારો અને વર્ગખંડોની ગંભીર અછત સામે, આજે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ ASAP દ્વારા રાજકોટના કિસાનપરા ચોક ખાતે પ્રતિકાત્મક રીતે વિધ્યાર્થીઓ બની શિક્ષકો-વર્ગખંડની અછત દૂર કરવાની માંગ કરી, પ્લે કાર્ડ સાથે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેથી પોલીસ દ્વારા તમામની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી.
વિરોધ પ્રદર્શન દરમિયાન ASAP પ્રદેશ મહામંત્રી સુરજ બગડા દ્વારા જણાવવામાં આવ્યું કે, મળતી માહિતી મુજબ સરકારની ઉદાસીન નીતિઓને કારણે દેશમાં આશરે ૯૩,૦૦૦ જેટલી સરકારી શાળાઓને એક પછી એક બંધ કરવામાં આવી. આ નિર્ણય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યંત નુકસાનકારક છે. શિક્ષણને વ્યવસાયિક તેમજ ખાનગી બનાવવાની દિશામાં લેવાતા આવા પગલાં સામાજિક અસમાનતા વધારશે. હાલમાં ગુજરાતની અનેક સરકારી શાળાઓમાં વર્ષોથી મોટા પ્રમાણમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ છે, જેથી મોટાં પ્રમાણમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે, એક જ શિક્ષકને અનેક ધોરણો સંભાળવાની ફરજ પડે છે, ઉપરાંત વારંવાર શિક્ષકોને બિનશૈક્ષણિક કાર્યો સોંપવામાં આવે છે, જે ગુણવત્તાસભર શિક્ષણને અશક્ય બનાવે છે. ગુજરાતની આશરે ૧૯૦૦૦ શાળાઓમાં પૂરતા વર્ગખંડો નથી, એક વર્ગખંડમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે તેથી વિદ્યાર્થીઓ ભીડભાડમાં અથવા ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા મજબૂર છે – જે શિક્ષણ પ્રણાલી માટે શરમજનક સ્થિતિ છે. શું આટલા વર્ષોના શાસન પછી પણ આ છે ભાજપનું ગુજરાત મોડલ?
વિરોધ પ્રદર્શન થકી આમ આદમી પાર્ટી વિધ્યાર્થી પાંખ ASAP ટીમ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી કે, ગુજરાતમાં સરકારી શિક્ષકોની ઘટ તાત્કાલિક ભરતી દ્વારા ભરવામાં આવે, શાળાઓમાં નવા વર્ગખંડો અને જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી નેતા સુરજ બગડા, પ્રણવ ગઢવી, કલાપી વારા, ફરાઝ મોગલ, તક્ષ ડોબરીયા, પિયુષ ભંડેરી, શાહિદ અન્સારી, વાળા રાજ, આર્યન પઠાણ, દર્શન ગજેરા, કેવલ સાવલીયા, યોગેશ પારખીયા, મિલન બોરસરિયા, મનોહરસિંહ પરમાર, જયંતિ નસીત, વિનુભાઇ શિંગાળા, શીતલબેન ગોહિલ, દિવ્યાબેન ગોહિલ વગેરેની અટકાયત કરવામાં આવી હતી.








