કાલોલ તાલુકામાં વરસાદથી નુકસાન થયેલા ૩૨ કીમી સુધીનાં રોડનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું

તારીખ ૧૬/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં એક મહિનાથી વરસતા ભારે વરસાદને પગલે નુકસાન પામેલા મલાવ સહિત ગેંગડીયા-અડાદરા અને કાલોલથી પાંડુ તરફના રોડ પર જવાબદાર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાતાં રાહદારીઓ અને વાહન ચાલકોમાં મોટી રાહત અનુભવી રહ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકા વિસ્તારમાં પાછલા એક મહિનાથી વરસતા ભારે વરસાદને પગલે કાલોલ હાઈવેથી મલાવ,ગેંગડીયા,અડાદરા અને કાલોલથી પાંડુ રોડ પર ઠેરઠેર સીલકોટને નુકસાન થતાં મસ મોટા ખાડાઓ પડી ગયા હતા જેને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી કરવાના આદેશને પગલે માર્ગ અને મકાન વિભાગીય કચેરી અંતર્ગત જવાબદાર એજન્સી દ્વારા એજન્સી દ્વારા ક્ષતિગ્રસ્ત ક૨ કીમીના રોડનું સમારકામ કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં કાલોલ હાઈવેથી મલાવ-ગેંગડીયા, ગેંગડીયા-અડાદરા સુધીના ૦થી ૨૨ કીમી રોડ અને કાલોલથી પાંડુ-ઠાસરા રોડ પર ૦થી ૬ કીમી સુધીના તાલુકા વિસ્તારના ક્ષતિગ્રસ્ત રોડનું પેચિંગ કરવામાં આવ્યું હતું. હાલ થોમાસામાં ડામરનું ઉત્પાદન બંધ હોવાથી તંત્રના આદેશ મુજબ એજન્સી દ્વારા નાના મોટા ખાડાઓમાં સિમેન્ટ કૉર્કિટની મદદથી સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આમ કાલોલ પંથકમાં ભારે ટ્રાફિક ધરાવતા બન્ને અસરગ્રસ્ત વિસ્તારોના માર્ગો પર સમયસર સમારકામ હાથ ધરાતાં અસરગ્રસ્ત વિસ્તારોના વાહનચાલકો સહિત રાહદારીઓ રાહત અનુભવી રહ્યા છે.




