GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઇવેની સ્થળ મુલાકાત લીધી

સાબરકાંઠા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઇવેની સ્થળ મુલાકાત લીધી
૦૦૦૦૦૦૦૦
હાઇવેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ સર્વિસ રોડ રિપેર કરવા NHAIને કલેકટરશ્રી દ્વારા સૂચનાઓ અપાઈ
૦૦૦૦૦૦૦
સાબરકાંઠા ૧૬ જુલાઈ ૨૦૨૫, બુધવાર

સાબરકાંઠા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ હિંમતનગરમાં સહકારી જીન રોડ પાસેથી પસાર થતાં શામળાજી નેશનલ હાઇવેની સ્થળ મુલાકાત લીધી હતી. આ સમયે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ પર ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ બાદ કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને ઝડપથી હાઇવેની કામગીરી પૂર્ણ કરવા તેમજ સર્વિસ રોડ રિપેર કરવા સૂચનાઓ આપી હતી. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, નવા નિર્માણ પામેલા પુલનું નિરીક્ષણ કરી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પાસેથી સ્ટ્રેંથ મજબૂતાઈનો રિપોર્ટ માગવામાં આવ્યો છે. તેમજ સર્વિસ રોડ તાત્કાલિક રીપેર કરવા સુચનાઓ આપવામાં આવી છે.

વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે લોકો ‘ગુજમાર્ગ એપ’ દ્વારા રોડ રસ્તાની ફરીયાદ કરી શકે તેવી વ્યવસ્થા પણ અમલમાં છે. મહત્વનું છે કે ગુજમાર્ગ એપ્લિકેશન (Guj Marg Application)નો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના નાગરિકોને રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધા માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટે એક સરળ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. જેમાં નાગરિકો પોતાના વિસ્તારના રસ્તાઓની ખરાબ સ્થિતિ, ખાડા, પુલોને નુકસાન કે અન્ય માળખાકીય સમસ્યાઓ વિશે ફરિયાદ નોંધાવી શકે છે. આ એપ્લિકેશનમાં ફરિયાદની સાથે ફોટોગ્રાફ્સ પણ અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. જેના આધારે સંબંધિત અધિકારીઓ દ્વારા ફરિયાદો પર સત્વરે કાર્યવાહી કરવામાં આવે છે.

આ મુલાકાત સમયે હિંમતનગર પ્રાંતશ્રી વિમલ ચૌધરી, મામલતદારશ્રી, નેશનલ હાઈવે ઓથોરિટીના ઇજનેર તેમજ અન્ય અધિકારીઓ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સુચનાથી સમગ્ર રાજ્ય વ્યાપી કામગીરીના ભાગરૂપે જિલ્લામાં પણ પુલોની મજબૂતાઈ અંગેનું નિરીક્ષણ, રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે..

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!