GUJARAT

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની પૂર્વતૈયારીઓની સમીક્ષા: કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની પૂર્વતૈયારીઓની સમીક્ષા: કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*

*જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ૨૪x૭ કાર્યરત કરવા કલેક્ટરશ્રીની તાકીદ*

*ચોમાસા દરમિયાન જનજીવન સુરક્ષિત રાખવા માટે નીચાણવાળા વિસ્તારોનું મેપિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પર અપાયો ભાર*

હિંમતનગર: 8 મે 2026

હિંમતનગર ખાતે આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને વહીવટી તંત્રની સજ્જતા ચકાસવા અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના પોળો હોલ ખાતે પ્રિ-મોન્સૂન રિવ્યુ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વરસાદી સિઝન દરમિયાન તમામ વિભાગો વચ્ચે સંકલન સાધીને કુદરતી આપત્તિના સમયે જાનમાલનું નુકસાન શક્ય તેટલું ઘટાડી શકાય તે સુનિશ્ચિત કરવાનો હતો. કલેક્ટરશ્રીએ તમામ અમલીકરણ અધિકારીઓને સતર્ક રહીને કામગીરી કરવા અને ડિઝાસ્ટર પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપ્યા હતા.

ચોમાસા દરમિયાન સંચાર અને માહિતીના આદાન-પ્રદાનને મહત્વ આપતા કલેક્ટરશ્રીએ જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલરૂમને ૨૪x૭ કાર્યરત કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, દર બે કલાકે વરસાદના આંકડાની સચોટ માહિતી પહોંચાડવા અને તમામ મામલતદાર કચેરીઓના લેન્ડલાઈન ફોન સત્વરે ચાલુ કરવા જણાવાયું હતું. માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, સ્ટેટ અને ફાયર ઓફિસર સહિતના તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓની વિગતો અધતન કરી રજૂ કરવા તેમજ તાલુકા વાઈઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

વરસાદી પાણીના ભરાવા અને સંભવિત જોખમોને ટાળવા માટે કલેક્ટરશ્રીએ નીચાણવાળા વિસ્તારો, કોઝવે અને વોટર લોગિંગ થતા સ્થળોની યાદી તૈયાર કરી સંબંધિત ગામના તલાટી અને સરપંચના સંપર્ક નંબર સાથેનો ડેટા તૈયાર રાખવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. ચોમાસા પૂર્વે ગટર અને નદી-નાળાની સફાઈ પૂર્ણ કરવા, જોખમી વૃક્ષોનું કટીંગ કરવા તેમજ જો ભારે વરસાદને કારણે વીજળીના થાંભલા ધરાશાયી થાય તો તેને તાત્કાલિક હટાવી વીજ પુરવઠો પૂર્વવત કરવા સૂચના અપાઈ હતી. રસ્તાના ખાડાનું સમયસર રિપેરિંગ, ડેમમાં બફર ઝોનની જાળવણી અને અંડરબ્રિજમાં પાણી ભરાય ત્યારે બેરિકેટિંગ કરી અવરજવર રોકવા જેવા સુરક્ષાત્મક પગલાં લેવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતાના ભાગરૂપે તરવૈયા અને આપદામિત્રોની યાદી તૈયાર રાખવા તેમજ લાઈફ બોયા, જેકેટ અને જનરેટર જેવા બચાવ સાધનોનું વેરિફિકેશન કરવા બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ હતી. જોખમી સ્થળોએ રેડિયમ સિગ્નલ મૂકવા અને ભયજનક ઈમારતો તેમજ હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી પૂર્ણ કરવા પર પણ ભાર મુકાયો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારોશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને ચીફ ઓફિસરોશ્રીઓ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!