Rajkot: કોટડાસાંગાણીમાં ગેરકાયદે બાંધકામ તોડીને રૂ. ૧.૨૦ કરોડની જમીન ખુલ્લી કરાઈ

તા.૨૮/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના આદેશ અને આસિસ્ટન્ટ કલેક્ટર સુશ્રી મહેક જૈનના માર્ગદર્શન હેઠળ આજે કોટડાસાંગાણીમાં ૧૨૦૦ મીટર જગ્યા પરથી ગેરકાયદે બાંધકામ તોડીને રૂ. ૧.૨૦ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા ૧૦૦ કલાકમાં અસામાજિક ગુંડા તત્વો સામે કડક કાર્યવાહીની શરૂ કરાયેલી ઝુંબેશ હેઠળ કોટડા સાંગાણી તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને માથાભારે તત્ત્વોએ કરેલા દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા હતા. કોટડાસાંગાણી ગામમાં સર્વે નંબર ૧૨૩૮ પર સિમેન્ટના શેડવાળું પાકું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ આશરે ૧૨૦૦ ચોરસ મીટર જેટલી જગ્યામાં હતું અને તેની બજાર કિંમત અંદાજે રૂ. ૧.૨૦ કરોડ જેટલી આંકવામાં આવી હતી.
આજે કોટડાસાંગાણી મામલતદારશ્રી ગુમાનસિંહ જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.એમ. રાઠોડ અને અન્ય અધિકારીઓએ સાથે મળીને આ સરકારી ખરાબાની જમીન પરથી દબાણો દૂર કરાવવાની કાર્યવાહી કરી હતી. જેમાં નાયબ મામલતદાર હિતેન્દ્રસિંહ ચુડાસમા, સર્કલ ઓફિસર સંજયભાઈ રૈયાણી, રેવન્યુ તલાટી દીપભાઈ આહ્યા અને પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો.





