મહી નદી પર ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુ આંક 13 થયો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના ગંભીરા ગામને જોડતો તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથેનો સંપર્ક ધરાવતા મહી નદી પરના બ્રિજ પરના બે પિલર વચ્ચેનો સ્પાન(બે પિલરને જોડતો ગાળો) બુધવારે સવારે ધડાકાભેર તૂટીને નદીના વહેતા પાણીમાં પડયો હતો. આ સાથે બે ટ્રક સહિતના અડધો ડઝન જેટલા વાહનો પણ નદીમાં પડતાં ૧૩ વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતાં અને પાંચને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે.
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી પરનો ગંભીરા બ્રિજ તરીકે ઓળખાતો આ બ્રિજ ૪૦ વર્ષ જૂનો છે અને ખખડધજ થઇ ગયો હતો. તેના સ્ટ્રક્ચરનું રિપેરિંગ કામ સમયાંતરે થતું હતું. આજે સવારે આ બ્રિજ પરથી અનેક વાહનો પસાર થતા હતા ત્યારે ત્રણ અને ચાર નંબરના પિલરની વચ્ચેનો આશરે ૨૦ મીટર લાંબો સ્પાન ધડાકાભેર અચાનક ધરાશાયી થતા મોટો બ્રિજ બે ભાગમાં વહેંચાઇ જતા મોટી દુર્ઘટના બની હતી.
બ્રિજ પરનો મોટો સ્પાન તૂટી પડતાં બે ટ્રક, એક ઇકો ગાડી, સીએનજી રિક્ષા અને એક બોલેરો પિકઅપ ઉપરથી આશરે ૧૮ મીટર નીચે નદીના વહેતા પાણીમાં ખાબક્યા હતાં.
બ્રિજ પરથી પસાર થતાં અન્ય વાહનોના ચાલકો આ ઘટનાથી ડઘાઇ ગયા હતાં. બ્રિજ તૂટવાની જાણ થતાં જ અફરાતફરી મચી ગઇ હતી અને વહીવટીતંત્ર તેમજ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં.
નદીમાં પડેલા વાહનો તેમજ અંદર ડૂબી ગયેલા લોકોને બચાવવા માટે રાહત-બચાવ કામગીરી તુરંત શરૂ કરવામાં આવી હતી. નદીમાં કામ કરતા માછીમારો તાત્કાલિક દોડી આવ્યા હતાં અને ઇજાગ્રસ્તો તેમજ મૃત્યુ પામેલાની લાશો બહાર કાઢી હતી.
મોટી સંખ્યામાં ગ્રામજનો પણ નદીમાં ઉમટી પડયા હતાં. વર્ષોથી ખખડધજ બ્રિજના સ્ટ્રક્ચરનું રિપેરિંગ કરવા અથવા નદી પર નવો બ્રિજ બનાવવાની માંગણી કરાતી હતી પરંતુ સરકાર દ્વારા કોઇ સમયાંતરે કોઇ નિર્ણય નહી લેવાતા મોટી દુર્ઘટના થઇ હતી.
નદીમાં બે બાઇક હજી દેખાતી હોવાથી અંદર કેટલીક વ્યક્તિઓ ડૂબી હોવાની આશંકા સાથે રાત્રે પણ શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.






