DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Dhoraji: ભારત અને ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ: ૩૬ મી આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડમાં ભારતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન, ભારતને મળ્યા ૦૨ ગોલ્ડ, ૦૨ સિલ્વર મેડલ

તા.૩૦/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ધોરાજીનાં પાટણવાવનાં રૂદ્ર પેથાણીએ ગોલ્ડ મેડલ જીતી વગાડ્યો ભારતનો ડંકો

Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનાં મૂળ પાટણવાવ ગામનાં રૂદ્ર પેથાણીએ તાજેતરમાં તા. ૨૦ થી ૨૭ જુલાઈ સુધી ફિલિપાઈન્સનાં ક્વિઝોન સીટી ખાતે યોજાયેલ ૩૬ મી આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડમાં સુવર્ણચંદ્રક જીતીને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે.

આ સ્પર્ધામાં ભારતને ૦૨ ગોલ્ડ અને ૦૨ સિલ્વર મેડલ એમ કુલ ૦૪ મેડલ જીતી સ્પર્ધકોએ ભારતનો ડંકો વગાડ્યો છે. આ સિદ્ધિ ભારતીય વિદ્યાર્થીઓની જીવવિજ્ઞાનમાંની મજબૂત પકડ અને તૈયારી દર્શાવે છે.

આ સિદ્ધિ સાથે રુદ્રએ આંતરરાષ્ટ્રીય જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડ -૨૦૨૩, આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ – ૨૦૨૪, આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડ – ૨૦૨૫માં ગોલ્ડ મેડલ “હેટ્રિક ઓફ ગોલ્ડ મેડલ્સ” પૂર્ણ કરી છે, જે તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વિજ્ઞાન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ તકે તેમના માતાશ્રી હિનાબેન પેથાણીએ ખુશીની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ ક્ષણ પેથાણી પરીવાર અને સમગ્ર ભારત માટે ગર્વાન્વિત બનાવનાર છે. સાથે જ અમારું વતન પાટણવાવ, ગુજરાત અને સમગ્ર દેશનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત કર્યાની ભવ્ય સિદ્ધિ હાંસલ કરી છે, જે અમારા માટે ગર્વની વાત છે.

અત્રે નોંધનીય છે કે, ૩૬મી આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડ -૨૦૨૫ જીવવિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટેની એક પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્પર્ધા છે. જેનો મુખ્ય હેતુ યુવા પ્રતિભાઓને જીવવિજ્ઞાનમાં રસ લેવા પ્રોત્સાહિત કરવાનો, આંતરરાષ્ટ્રીય સ્તરે જૈવિક જ્ઞાન અને કૌશલ્યોનું પ્રદર્શન કરવાનો, અને જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં ભવિષ્યના વૈજ્ઞાનિકો અને સંશોધકોને પ્રોત્સાહન આપવાનો છે.

વિદ્યાર્થીઓના જૈવિક જ્ઞાન અને પ્રાયોગિક કૌશલ્યોને ચકાસવા માટે IBOમાં સૈદ્ધાંતિક (લેખિત) અને પ્રાયોગિક (વ્યવહારુ) બંને પ્રકારની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષાઓમાં સેલ બાયોલોજી, મોલેક્યુલર બાયોલોજી, ઇકોલોજી, જિનેટિક્સ, છોડ અને પ્રાણીઓની શરીરરચના અને શરીરવિજ્ઞાન જેવા જીવવિજ્ઞાનના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!