વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પવિત્ર શ્રાવણ મહિનાનાં બીજા સોમવારે સાંદીપની સંકુલ સાપુતારા ખાતે 500 થી વધુ બાળકો રહી શકે તે માટે નવી હોસ્ટેલનાં બાંધકામ માટે ખાતમૂહર્ત કર્યું…
પવિત્ર શ્રાવણ માસનાં બીજા સોમવારે ગુજરાતના ગિરિમથક સાપુતારા ખાતે એક આધ્યાત્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિનો સુભગ સમન્વય જોવા મળ્યો હતો.સુપ્રસિદ્ધ કથાકાર અને પ્રખર શિવભક્ત ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ અહીંના નાગેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી,સાથે સાંદીપની વિદ્યાસંકુલ સાપુતારામાં અદ્યતન હોસ્ટેલનું ખાતમૂહર્ત કર્યું.શ્રાવણના બીજા સોમવારે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ સાપુતારાના સર્પગંગા તળાવ નજીક આવેલા પ્રાચીન નાગેશ્વર મહાદેવ મંદિરે ખાસ પૂજા કરી હતી. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને પૂજાવિધિ સાથે તેમણે મહાદેવને બીલીપાન, દૂધ અને નિર્મળ જળનો અભિષેક કર્યો હતો.આ પ્રસંગે તેમણે ગુજરાતના વિકાસ અને સમગ્ર વિશ્વની માનવતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.આ પૂજામાં સ્થાનિક હોટેલ એસોસિએશનનાં સેક્રેટરી તુકારામભાઈ કર્ડિલે સહીત સાપુતારાનાં સ્થાનિક રહેવાસીઓ, અને પ્રવાસીઓ પણ જોડાયા હતા.ભાઈશ્રી જેવા આધ્યાત્મિક મહાનુભાવની હાજરીથી સૌ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.આધ્યાત્મિક પ્રવૃત્તિ બાદ ભાઈશ્રીએ ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ, પોરબંદર સંચાલિત સાંદીપની વિદ્યાસંકુલની મુલાકાત લીધી હતી. તેઓ અહીં અભ્યાસ કરતા દીકરા-દીકરીઓને મળવા આવ્યા હતા.આ મુલાકાત દરમિયાન, તેમણે ડાંગ જિલ્લાના બાળકો માટે એક મહત્ત્વપૂર્ણ ભેટ આપી છે. તેમણે 500 થી વધુ આદિવાસી બાળકો રહી શકે તેવી અદ્યતન હોસ્ટેલનું ખાતમૂહર્ત કર્યું હતુ. આ નવી હોસ્ટેલ બનવાથી ડાંગ જેવા આદિવાસી બહુલ વિસ્તારના તેજસ્વી બાળકોને ગુણવત્તાસભર શિક્ષણની સાથે સાથે આધુનિક સુવિધાઓ સાથેનું રહેઠાણ પણ મળી રહેશે.આ પહેલથી શિક્ષણ ક્ષેત્રે એક નવી દિશા મળશે અને બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદ મળશે.ભાઈશ્રીની આ મુલાકાતથી સાપુતારામાં ધર્મ અને શિક્ષણના સંયોજનનો સુંદર સંદેશ ફેલાયો હતો.આ પ્રસંગે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા એ જણાવ્યું હતું કે,”સમગ્ર ભારત વર્ષમાં અને વિશ્વમાં શ્રાવણના સોમવારનું અનેરૂ મહત્વ છે.અને મહાદેવને અભિષેક તથા પૂજા અર્ચના તેનો મહિમા રહેલો છે. ત્યારે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં મોન્સૂન ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવેલ છે.અને ચોમાસાને કારણે સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે મોન્સૂન ફેસ્ટિવલ અને કુદરતી સૌંદર્યનો લ્હાવો લેવાનો પણ અવસર મળ્યો.અહીંયા તળાવના કિનારે ખૂબ જ સુંદર નાગેશ્વર મહાદેવનું મંદિર છે.જેથી જ્યારે જ્યારે સાપુતારા આવવાનું થાય ત્યારે આ મંદિર એ અચૂક આવુ છું.સાથે અહી આવેલ સાંદીપની વિદ્યા સંકુલમાં આદિવાસી બાળકો ભણે છે.વર્ષ 2011થી રાજય સરકારે જે શિક્ષણની સેવા સોંપી છે.તેને નિષ્ઠાપૂર્વક કરીએ છીએ. અહીં બાળકો અભ્યાસ કરે છે અને શિક્ષકો અહીં રહીને તેમને અભ્યાસ કરાવે છે.આ બાળકોને મળવા અને તેમની સાથે સમય વિતાવવા માટે આવ્યો છું. જેમાં સહયોગ બન્યો છે કે શ્રાવણ નો સોમવાર છે.”