IDARSABARKANTHA

તલોદના વરવાડા ગામે “માસિકોત્સવ” અને “વર્લ્ડ નો ટોબેકો ડે” અંતર્ગત કિશોર-કિશોરીઓમાં જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો

તલોદના વરવાડા ગામે “માસિકોત્સવ” અને “વર્લ્ડ નો ટોબેકો ડે” અંતર્ગત કિશોર-કિશોરીઓમાં જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠામાં આગામી 28 મે “વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ”અને 31 મે “વર્લ્ડ નો ટોબેકો ડે” નિમિત્તે વ્યાપક જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ દિવસોની પૂર્વતૈયારીના ભાગરૂપે તલોદ તાલુકાના વરવાડા ગામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. વિનોદ મુંગડની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહેતા, સમાજમાં મહિલાઓ અને કિશોરીઓમાં માસિક સ્વચ્છતા અંગે વૈજ્ઞાનિક સમજણ કેળવાય અને યુવા પેઢી તમાકુના જીવલેણ વ્યસનથી દૂર રહે તેવો રહ્યો છે. “સ્વચ્છતા, સ્વસ્થતા અને વ્યસનમુક્ત જીવન”ના સૂત્રને સાર્થક કરવા માટે આ અભિયાન દ્વારા આરોગ્યપ્રદ સંદેશાઓને ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરિયાએ બાળકો સાથે સીધો સંવાદ સાધી પ્રશ્નોત્તરી કરી હતી. તેમણે કિશોર-કિશોરીઓને પ્રેરણા આપતા જણાવ્યું કે, “માસિક સ્વાસ્થ્ય એ કોઈ શરમ કે સંકોચનો વિષય નથી, પરંતુ તે સ્ત્રીત્વના ગૌરવ અને સ્વાભિમાનનો વિષય છે.” વધુમાં તેમણે ઉમેર્યું કે જો આપણા જીવનમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સંસ્કારનો સમન્વય હશે તો જ કિશોરાવસ્થા ઊર્જાવાન અને તેજસ્વી બની રહેશે. તેમણે યુવાનોને તમાકુના વ્યસનથી થતી ગંભીર હાનિઓ વિશે ચેતવણી આપી, સમાજ અને પરિવાર માટે પ્રેરણારૂપ બનવા હાકલ કરી હતી. આગામી મે માસ દરમિયાન સમગ્ર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ વિષયો પર વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

આ પ્રસંગે તલોદ તાલુકા આરોગ્ય અધિકારી અને પુંસરી મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પિયર એજ્યુકેટર અને કિશોર-કિશોરીઓ માટે શૈક્ષણિક તેમજ મનોરંજક રમતોનું આયોજન કરાયું હતું. આ રમતોના માધ્યમથી માસિક સ્વચ્છતા, ‘રેડ ડોટ ચેલેન્જ’, પોષણયુક્ત આહાર, વ્યસનમુક્તિ અને હેન્ડવોશ જેવા મહત્વના વિષયોને અત્યંત સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!