GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા તાલુકાની કાંકણપુરની એમ.જી. શાહ હાઈસ્કૂલમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરાઈ

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

ગોધરા તાલુકામાં આવેલી એમ.જી. શાહ હાઈસ્કૂલમાં તા. ૨ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન શાળાનું વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

 

સપ્તાહની ઉજવણીમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સૂત્ર લેખન, શ્લોકગાન, ‘નમો નમઃ’ સંવાદ, અને સંસ્કૃત ભાષાના મહત્વ પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મહેંદી હરીફાઈ અને ‘કાલિદાસો જને જને’ તેમજ ‘લક્ષ મસ્તી’ જેવા આનંદદાયક ગીતો દ્વારા કાર્યક્રમમાં રંગત આવી હતી.

 

સપ્તાહના અંતિમ દિવસે શિવપુરી જલારામ આયુર્વેદ હોસ્પિટલના ડૉ. અલ્પેશ પટેલે ગાયત્રી મંત્રના મહિમા અને સંસ્કૃત બોલવાથી આરોગ્ય પર થતી સકારાત્મક અસરો વિશે સમજણ આપી હતી. સંસ્કૃત શિક્ષક હર્ષદ પટેલે સરળ શ્લોકો અને સંસ્કૃત ભાષા દ્વારા સંસ્કૃતિના ઉજ્જવળ ભવિષ્ય અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે હાયર સેકન્ડરીના શિક્ષક નીતિગ્ના પટેલે ઉપસ્થિત સૌનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

Back to top button
error: Content is protected !!