AHAVADANGGUJARAT

ડાંગ: ગલકુંડ બુથ પર સાપુતારા પી.આઈ.આર.એસ. પટેલની ટીમે અશક્ત મતદારને મદદ કરી માનવતા મહેકાવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

લોકશાહીનાં પર્વ સમાન ચૂંટણીમાં એક-એક મતનું મહત્વ હોય છે, અને આ મહત્વને સમજાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકા સ્થિત ગલકુંડ મતદાન બુથ પરથી એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે.સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ. પટેલનાં માર્ગદર્શન હેઠળની પોલીસની ટીમે એક અશક્ત અને ચાલી ન શકતા વૃદ્ધ મતદારને મતદાન મથક સુધી પહોંચાડીને ખરા અર્થમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ગલકુંડ બુથ પર એક વયોવૃદ્ધ મતદાર મતદાન કરવા આવ્યા હતા, પરંતુ શારીરિક અશક્તિને કારણે તેઓ ચાલી શકતા ન હોવાથી મતદાન મથક સુધી પહોંચવું તેમના માટે મુશ્કેલ બની રહ્યુ હતુ.આ પરિસ્થિતિ જોઈને પી.આઈ. આર.એસ. પટેલ અને તેમની ટીમના જવાનો તુરંત જ મદદે ધસી ગયા હતા.સાપુતારા પોલીસની ટીમે વૃદ્ધ મતદારને સહારો આપીને તેમને સુરક્ષિત રીતે મતદાન મથકની અંદર લઈ જવામાં મદદ કરી હતી, જેથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.સાપુતારા પોલીસ કર્મીઓની આ સંવેદનશીલ અને મદદરૂપ ભૂમિકાએ હાજર સૌ કોઈના દિલ જીતી લીધા હતા. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઓળખાતી પોલીસ ટીમે નાગરિકો પ્રત્યેની તેમની ફરજ ઉપરાંત માનવીય અભિગમનું પણ ઉત્તમ પ્રદર્શન કર્યું હતુ.આ ઘટના દર્શાવે છે કે લોકશાહીમાં દરેક નાગરિકનો મત કેટલો અમૂલ્ય છે અને તેને સુનિશ્ચિત કરવા માટે સરકારી તંત્ર પણ કટિબદ્ધ છે.સાપુતારા પી. આઈ. આર.એસ. પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ આ કાર્ય પ્રશંસનીય છે અને અન્યો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

Back to top button
error: Content is protected !!