
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા જ્યારથી સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ત્યારથી જ પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળ્યા હતા.અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતી હોય તેવી લોક ચર્ચા પણ જોવા મળી હતી.ત્યારે આજરોજ કાર્યક્રમમાં વરસાદી માહોલનાં પગલે મુખ્યમંત્રી ઉપસ્થિત ન રહેતા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની હાજરીમાં મોન્સુન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.ત્યારે ચાલુ કાર્યક્રમમાં ડોમમાં લગાવેલ એસીમાં અચાનક આગ લાગી જવાની ઘટના બની હતી.અને આ આગ લાગવાની ઘટના બનવાની સાથે જ ગુજરાત પ્રવાસન વિભાગની લાપરવાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા.ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે ઋતુ પ્રમાણે ડાંગ જિલ્લામાં ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે.જોકે પ્રવાસન વિભાગના અધિકારીઓ દ્વારા ફેસ્ટિવલના નામ પર માત્ર તાયફાઓ કરવામાં આવતા હોય તેવી લોક ચર્ચાએ પંથકમાં જોર પકડ્યુ હતુ.
સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થઈ રહ્યુ હતુ તે વેળાએ પ્રવાસન મંત્રીની હાજરીમાં જ ત્યાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.ઉદ્ઘાટન ના કાર્યક્રમ માટે જે ડોમ બનાવવામાં આવ્યો હતો તે ડોમમાં ફિટ કરેલ એસીમાં શોર્ટ સર્કિટનાં પગલે આગ લાગી જતા ત્યાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.ત્યારે અહીં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન વિભાગની બેદરકારી સ્પષ્ટપણે પ્રવાસનમંત્રીની સામે આવી હતી.ઉલ્લેખનીય છે કે, રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં બેદરકારીને કારણે આગ લાગી જવાની ઘટના બની હતી.ત્યારે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો જેમાં નાના બાળકો એ પણ જીવ ગુમાવવો પડ્યો હતો. તેવામાં અહીં સાપુતારા ખાતેના મોન્સૂન ફેસ્ટિવલના કાર્યક્રમમાં શાળા – કોલેજના વિદ્યાર્થીઓ, બાળકો, પ્રવાસીઓ હજારોની સંખ્યામાં હાજર હતા. પ્રવાસન વિભાગના અધિકારીઓ પ્રવાસીઓને સુરક્ષા માટે કેમ સજાગ નથી આવા અનેક સવાલ સાથે પ્રવાસન વિભાગ ઘેરાતું જોવા મળી રહ્યો છે.તેમજ પ્રવાસન વિભાગ દ્વારા શરૂઆતથી જે રીતેનું આયોજન કરવામાં આવી રહ્યું હતું ત્યારથી જ પ્રવાસીઓની સુરક્ષા ને લઈને અનેક સવાલ ઉઠ્યા હતા. તેમજ પ્રવાસીઓને સુરક્ષાને લઈને પ્રવાસન વિભાગ સામે સવાલ ઉઠાવતા અહેવાલ પણ સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. પ્રવાસન વિભાગના અધિકારીઓ દ્વારા સુરક્ષાના ભાગરૂપે કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવેલ ન હોવાથી મંત્રીઓ તથા ઉપસ્થિત પ્રવાસીઓ તથા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. પ્રવાસન વિભાગની બેદરકારી પણ સ્પષ્ટપણે સામે આવી હતી.





