GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ લોકમેળામાં આકર્ષણનું કેન્દ્ર બનતી પી.જી.વી.સી.એલ.ના સ્માર્ટ મીટર થીમની પ્રતિકૃતિ

તા.૧૫/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખક : માર્ગી મેહતા

સ્ટોલની મુલાકાત લઈને સ્માર્ટ મીટર અને “પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના” વિશે માહિતગાર થતી જનતા

Rajkot: શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પર્વની ઉજવણી નિમિત્તે રાજકોટમાં તા. ૧૮ ઓગસ્ટ સુધી ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારી વિભાગોના સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેથી, મેળામાં મ્હાલવા આવતા જનસમુદાયને વિવિધ સરકારી યોજનાઓ વિશે જાણકારી સરળતાથી મળી શકે. જે અન્વયે લોકમેળામાં હસ્તકલા હાટની સામે પી.જી.વી.સી.એલ.નો સ્ટોલ કરવામાં આવ્યો છે.

લોકમેળામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની રાજકોટ શહેર વર્તુળ કચેરીના બે સ્ટોલ છે. લોકમેળાના ઉદ્ઘાટનની સાથે જ આ બંને સ્ટોલ જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. અહીં ‘I am smart’ અને ‘ક્ષતિરહિત ચોક્કસાઈપૂર્વકનું મીટર રીડિંગ’ના સૂત્રો સાથે સ્માર્ટ મીટર થીમની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ ઉપરાંત, આ સ્ટોલમાં કર્મયોગીઓ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વીજ પુરવઠા અને સૌર ઉર્જા સંબંધિત વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવે છે. સ્માર્ટ મીટર, પ્રધાનમંત્રી સૂર્યઘર – મફત વીજળી યોજના, વીજળીના વિવેકપૂર્ણ ઉપયોગ સહિતની માહિતી આપતાં પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. તેમજ આ સ્ટોલના મુલાકાતીઓને સોલાર રૂફટોપ અને સ્માર્ટ મીટર લગાવવાના ફાયદા સમજાવી, તેનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ મીટરની વધુ વિગત મેળવવા માટે હેલ્પલાઇન નંબર ૧૯૧૨૨ પર કોલ કરી શકાય છે. ‘પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના’ની વધુ માહિતી માટે પણ ઉપરોક્ત હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકાશે અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૧૫૫૩૩૩નો સંપર્ક કરી શકાય છે. તેમજ www.pgvcl.com વેબસાઈટ ઉપર પી.જી.વી.સી.એલ.ની તમામ કામગીરી અંગે જાણકારી મળી રહેશે.

Back to top button
error: Content is protected !!