Rajkot: ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો થકી વિકાસમાં યોગદાન આપનારા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોનું BIS દ્વારા સન્માન
તા.15/10/2025
વાત્સલયમ્ સમાચાર
ભારતીય માનક બ્યૂરો દ્વારા વિશ્વ માનક દિવસે “માનક મહોત્સવ ૨૦૨૫” યોજાયો
Rajkot: ભારતીય માનક બ્યૂરો (BIS)ની રાજકોટ અને ગાંધીધામ શાખા દ્વારા સંયુક્તપણે આજે ‘વિશ્વ માનક દિવસ’ નિમિત્તે “માનક મહોત્સવ – ૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઉત્પાદનોમાં ઉચ્ચ માપદંડોનું પાલન કરીને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો, BIS અંગે જનજાગૃતિમાં ઉત્તમ ભૂમિકા નિભાવતા માધ્યમો તેમજ શાળાઓનું સાંસદ શ્રી રામભાઈ મોકરિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે અખિલ ભારતીય લાયસન્સ મેળવનારા રાજકોટના બે ઉદ્યોગ ગોદાવરી પાઇપ્સ તથા લોકવેર ઇન્ડસ્ટ્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયાએ દેશના વિકાસમાં ઉદ્યોગોની ભૂમિકાની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન થકી અને તેની વિદેશમાં નિકાસ કરીને હૂંડિયામણ રળીને ઉદ્યોગકારો અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપે છે. વસ્તુઓ, ઉત્પાદનોના માનકીકરણમાં ભારતીય માનક બ્યૂરોના સતત પ્રયાસો અને કામગીરીની પણ તેમણે સરાહના કરી હતી. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી અપીલને અનુસરવા અને સ્વદેશી વસ્તુઓ ખરીદવા, ઉપયોગ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં બી.આઈ.એસ. રાજકોટ શાખાના અધ્યક્ષ શ્રી પારિજાત શુક્લાએ સ્વાગત પ્રવચન સાથે વિશ્વ માનક દિવસની પૂર્વભૂમિકા આપી હતી. જ્યારે ગાંધીધામ શાખાના અધ્યક્ષ શ્રી રીતુરાજ સિંઘે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની માહિતી આપીને, ટકાઉ વિકાસમાં માનક બ્યૂરોની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. ‘એક બહેતર વિશ્વ માટેનો સહિયારો દ્રષ્ટિકોણ‘ (Shared Vision for a Better World)ની થીમ અંગે પણ તેમણે છણાવટ કરી હતી.
રાજકોટમાં આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી રામજીભાઇ માવાણી, શ્રી રમાબેન માવાણી તથા સૌરાષ્ટ્ર – કચ્છના જાણીતા ઉદ્યોગકારો, વેપારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.