GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૯મો પદવીદાન સમારોહ યોજાયો

તા.૬/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

-: શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા :-

– જ્ઞાન મેળવવા માટે સતત વિકાસ કરતા રહેજો, વિદ્યાર્થીભાવ જાગૃત રાખજો

– “ડ્રગ્સને ના” કહીને રોજ એક કલાક વાચનની ટેવ પાડજો

પી.એમ. ઉષા અંતર્ગત નવીનીકરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન રીસર્ચ સુવિધા વગેરે માટે કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.ને રૂપિયા ૧૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ: કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

૧૪ વિદ્યાશાખાના ૪૨,૬૭૭ છાત્રોને ડિગ્રી એનાયત, કુલ ૧૨૬ છાત્રોને ગોલ્ડ મેડલ, ૨૨૧ છાત્રોને વિવિધ પારિતોષિક અપાયા

Rajkot: શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૯મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૪ વિદ્યાશાખાના ૪૨,૬૭૭ છાત્રોને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ તકે, કુલ ૧૨૬ છાત્રોને ગોલ્ડ મેડલ જ્યારે ૨૨૧ છાત્રોને વિવિધ પારિતોષિક આપવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે આયોજિત આ સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ સંબોધનમાં જણાવ્યું હતું કે,

તમે વિદ્યાર્થીઓ વર્ષ ૨૦૪૭ના પૂર્ણ વિકસિત ભારતની સાંકળ છો. આજે ડિગ્રી મળી છે પણ જ્ઞાન મેળવવા માટે વિદ્યાર્થીભાવ કાયમ જાગૃત રાખજો.

તેમણે કહ્યું હતું કે, આજનું સોફ્ટવેર આવતીકાલે આઉટડેટેડ થઈ જાય છે ત્યારે સતત વિકસતા રહેવું જરૂરી છે. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને જ્ઞાની, વિવેકી, વિનમ્ર, સ્થિતપ્રજ્ઞ, ધૈર્યવાન તેમજ સજ્જ બનવા પ્રેરણા આપી હતી. આ સાથે જીવનમાં કોઈપણ સંજોગોમાં સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરવાની શીખ આપી હતી.

તેમણે વાચનની ટેવ કેળવવા છાત્રોને કહ્યું હતું કે, રોજ એક કલાક મોબાઇલને બાજુ પર રાખીને સારું વાચન કરજો. આ સાથે સોશિયલ મીડિયાના ભ્રામક જોડાણને છોડીને પરિવાર તથા માતાપિતા સાથે રહેવા અપીલ કરી હતી.

આજે ડ્રગ્સ અને ડિપ્રેશન દુનિયાને ભરડો લઈ રહ્યા છે ત્યારે તેની સામે જાગૃત રહીને કોઈ પણ વ્યસન નહીં કરવા જાગૃત રહેવું જરૂરી છે. આ જ સાચી કેળવણી છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ તકે રાજ્યપાલશ્રી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના શુભેચ્છા સંદેશનું વાચન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ પ્રવચનમાં કહ્યું હતું કે, પી.એમ. ઉષા પ્રોજેક્ટ અંતર્ગત યુનિવર્સિટીમાં નવીનીકરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન રીસર્ચ સુવિધા વગેરે માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૧૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે. જે બદલ સરકારનો આભાર વ્યક્ત કરું છું.

આર્ષ વિદ્યામંદિરના અધ્યક્ષ સ્વામી પરમાત્માનંદજીએ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવાની અને નિરંતર વિકાસની પ્રેરણા આપી હતી. જ્યારે અમદાવાદના ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર ડૉ. નિલેશ દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

આ કાર્યક્રમમાં વિવિધ શિક્ષણવિદો, આમંત્રિત મહેમાનો, વિવિધ વિદ્યાભવનોના ડીન, સેનેટના સભ્યો, છાત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!